December 25, 2024

ICC T20 Rankings: ઋતુરાજ ગાયકવાડનો મોટો ધડાકો, સૂર્યકુમાર યાદવ ફરી પાછળ રહી ગયો

ICC T20 Rankings Update: આઈસીસી દ્વારા નવી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે આ રેન્કિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે એક જ વારમાં ટોપ 10માં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. જોકે ભારતનો સૂર્યકુમાર યાદવ ફરીથી પાછળ રહી ગયો છે. તે નંબર વનનું સ્થાન મેળવવામાં સફળ રહ્યો નથી.

ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ આઈસીસી ટી-20 રેન્કિંગમાં ફરી નંબર વન બેટ્સમેન
આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ટી-20 રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ નંબર વન પર યથાવત છે. ટ્રેવિસ હેડનું રેટિંગ હાલમાં 844 છે. જો સૂર્યકુમાર યાદવની વાત કરીએ તો તે બીજા નંબર પર છે. સૂર્યકુમારનું રેટિંગ 821 થઈ ગયું છે. જે ગત સપ્તાહની સરખામણીએ ઘટ્યું છે. આવું એટલા માટે થયું છે કારણ કે ટી-20 વર્લ્ડ કપ 2024 પછી ભારત બે મેચ રમી ચૂક્યું છે, પરંતુ સૂર્યાને આ ટીમમાં તક આપવામાં આવી નથી, તે આરામ પર છે. એટલે કે પહેલા અને બીજા બેટ્સમેન વચ્ચેનો તફાવત હવે ઘણો મોટો થઈ ગયો છે.

લિસ્ટમાં વધુ ફેરફાર નથી
જો ટોપ 2 બેટ્સમેનોની વાત કરીએ તો ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ 797 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ 755 રેટિંગ સાથે ચોથા નંબર પર છે અને મોહમ્મદ રિઝવાન 746 રેટિંગ સાથે 5માં નંબર પર છે. એટલે કે પહેલા 5 બેટ્સમેનના રેટિંગમાં થોડો ફેરફાર થયો છે પરંતુ રેન્કિંગ ગયા સપ્તાહની જેમ જ છે.

આ પણ વાંચો: નિઃસ્વાર્થ ભાવનાનું ઉદાહરણ એટલે દ્રવિડ, પોતાના સાથીઓ માટે 2.5 કરોડનું બલિદાન આપ્યું

ઋતુરાજ ગાયકવાડને એક સાથે 13 સ્થાનનો ફાયદો
ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર પણ પહેલાની જેમ છઠ્ઠા નંબર પર છે. તેનું રેટિંગ 216 છે. દરમિયાન ઋતુરાજ ગાયકવાડે કમાલ કર્યો છે. તેણે એક સાથે 13 સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે સીધા સાતમા નંબર પર આવી ગયો છે. તેની રેટિંગ પણ વધીને 662 થઈ ગઈ છે. જોકે આગળ જવા માટે તેણે કેટલીક વધુ મોટી ઇનિંગ્સ રમવી પડશે.

યશસ્વી જયસ્વાલને નુકસાન
વેસ્ટ ઈન્ડિઝના બ્રેન્ડન કિંગ 656 રેટિંગ સાથે નંબર 8 પર અને જ્હોન્સન ચાર્લ્સ 655 રેટિંગ સાથે નંબર 9 પર યથાવત છે. સાઉથ આફ્રિકાનો કેપ્ટન એડન માર્કરામ 646 રેટિંગ સાથે 10માં નંબર પર છે. દરમિયાન મોટી વાત એ છે કે ભારતનો યશસ્વી જયસ્વાલ ટોપ 10માંથી બહાર હોય તેમ લાગી રહ્યું છે. તેનું રેટિંગ માર્કરામ એટલે કે 646ની બરાબર છે. પરંતુ તે 11મા નંબર પર છે. તેણે એક સાથે ત્રણ સ્થાન ગુમાવ્યા છે. તેણે પણ લાંબા સમયથી ભારત માટે કોઈ ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી નથી. હવે જો તેને તક મળશે તો તે ટોપ 10માં પરત ફરી શકે છે.