December 22, 2024

અજિત પવાર જૂથના ધારાસભ્યો અંગે શરદ પવારનો ચોંકાવનારો દાવો

Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં ભલે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ આને લઈને રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે મંગળવારે એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેમના ભત્રીજા અજિત પવારની સાથે પાર્ટીના કેટલાક ધારાસભ્યો તેમના જૂથના વરિષ્ઠ નેતા જયંત પાટીલને મળ્યા છે.

શરદ પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળના NCP ધારાસભ્યો NCP (શરદ પવાર)માં પાછા આવવાની સંભાવના વિશેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેણે આ મોટો દાવો કર્યો હતો. શરદ પવારે આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે આગામી મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી શરદ પવારે પત્રકારોને જણાવ્યું હતું કે, “હું એવા કોઈને મળ્યો નથી કે જેણે અમારી પાર્ટી છોડી દીધી છે અને પાછા આવવા માંગે છે, પરંતુ મને માહિતી મળી છે કે તેમાંથી કેટલાક જયંત પાટિલને મળ્યા છે.” જયંત પાટીલ NCP (શરદ પવાર)ના મહારાષ્ટ્ર એકમના વડા છે.

તેમના પક્ષના ચૂંટણી ચિન્હ ‘માણસ વગાડતા ટ્રમ્પેટ’ વિશે, પવારે કહ્યું કે તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો કારણ કે કેટલાક અપક્ષ ઉમેદવારોને ચૂંટણી પ્રતીક તરીકે ટ્રમ્પેટ ફાળવવામાં આવ્યા હતા.

શરદ પવારે કહ્યું કે સાતારામાં લોકસભા ચૂંટણી દરમિયાન અમને આ ચિન્હને લઈને સમસ્યા થઈ હતી. હવે આ મુદ્દો કોર્ટમાં છે, તેની સુનાવણી આવતા સપ્તાહે થવાની છે. પવારે કહ્યું, “લોકસભાની ચૂંટણી દરમિયાન દેશને ખોટી દિશામાં લઈ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસને લોકોએ નિષ્ફળ બનાવ્યો અને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ એવો જ જનાદેશ મળશે.”