ભારતના લાઇટ વેઇટ જોરાવર ટેન્કની પહેલી ઝલક, 2027 સુધીમાં સેનામાં સામેલ થવાની આશા
Indian Army: ભારતીય સેના માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. હાઇ એલ્ટીટ્યુડ વિસ્તારો માટે લાંબા સમયથી સેનામાં હલકા વજનવાળી ટેન્કની જરૂરિયાત અનુભવાતી હતી. ટૂંક સમયમાં તે સમય આવી જશે જ્યારે હલકા વજનની જોરાવર ટેન્ક ભારતીય સેનામાં જોડાશે. 2020માં ગલવાનમાં ચીન સાથે થયેલ લોહિયાળ અથડામણ બાદ ભારતીય સેનાને ઊંચા પર્વતીય વિસ્તારો માટે હળવા ટેન્કની જરૂર હતી. તે સમયે ચીને તેના કબજા હેઠળના તિબેટને અડીને આવેલી લદ્દાખ સરહદ પર ZTQ T-15 લાઇટ ટેન્ક તૈનાત કરી હતી. જે બાદ ભારતને પણ આવી લાઇટ ટેન્કની જરૂરિયાત હતી. પરંતુ ભારતે T-72 જેવી ભારે ટેન્ક તૈનાત કરવી પડી હતી. ભારતીય સેનાએ લગભગ 200 ટેન્કને હવાઈ માર્ગે લદ્દાખ પહોંચાડી હતી.
માત્ર બે વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર કરાઇ જોરાવર ટેન્ક
શનિવારે DRDOએ ગુજરાતના હજીરામાં પોતાના લાઇટ બેટલ ટેન્ક જોરાવર એલટીની ઝલક બતાવી. DRDOએ લાર્સન એન્ડ ટુબ્રોના સહયોગથી આ ટાંકી વિકસાવી છે. દરમિયાન, શનિવારે DRDO ચીફ ડૉ. સમીર વી. કામતે આ ટેન્કનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ વાત એ છે કે આ ટેન્ક રેકોર્ડ બે વર્ષમાં તૈયાર કરવામાં આવી છે. ટૂંક સમયમાં લદ્દાખમાં તેનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે, જે આગામી 12-18 મહિનામાં પૂર્ણ થવાની આશા છે. ખાસ વાત એ પણ છે કે ભારત હવે રક્ષા સાધનોના મામલે આત્મનિર્ભર બની રહ્યું છે. ભારત હવે પોતાના રક્ષા સાધનોનું ઉત્પાદન કરી રહ્યું છે. DRDO ચીફ ડો. કામતે આશા વ્યક્ત કરી કે તમામ ટ્રાયલ પૂર્ણ થયા બાદ આ ટેન્કને 2027 સુધીમાં ભારતીય સેનામાં સામેલ કરી શકાશે.
દૌલત બેગ ઓલ્ડીમાં ફસાઈ ગયું હતું T-72 ટેન્ક
હજુ થોડા સમય પહેલા જ પૂર્વી લદ્દાખના દૌલત બેગ ઓલ્ડીના સાસેર બ્રાંગસા વિસ્તારમાં નદીમાં ટેન્ક એક્સરસાઇઝ દરમિયાન, એક રશિયન T-72 ટેન્ક રાત્રે નદી પાર કરી રહી હતી. શ્યોક નદીમાં જળસ્તર અચાનક વધવાને કારણે ટેન્ક ફસાઈ ગઈ જેમાં JCO સહિત 5 જવાનો શહીદ થયા હતા. અકસ્માત બાદ સૈન્ય વર્તુળોમાં સવાલો ઉઠયા હતા કે T-72 જેવી ભારે ટેન્કનો ઉપયોગ ઊંચાઈવાળા વિસ્તારોમાં કેમ કરવામાં આવી રહ્યો છે. સેનાએ શક્ય તેટલી વહેલી તકે હળવા ટેન્ક લાવવા જોઈએ. તો, તેના ઓછા વજન અને ઉભયચર ક્ષમતાઓને લીધે, આ ટેન્ક હેવી વેઇટ T-72 અને T-90 ટેન્કસ કરતાં વધુ સરળતાથી ઢાળવાળા પર્વતો પર ચઢી શકે છે અને નદીઓ અને પ્રવાહોને પાર કરી શકે છે. L&Tના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અરુણ રામચંદાનીએ જણાવ્યું હતું કે LT સાથે વિકસિત આ મોડલને ઘણી સફળતા મળી છે અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી છે. તો, આ ટેન્ક ચીની સેનાનો સામનો કરવા માટે ભારતીય સેનાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.