સસ્તા અનાજના કૌભાંડ મામલે મામલતદારે નોંધાવી FIR, દોઢ મહિના પહેલા પાડ્યા હતા દરોડા
અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લાના વેરાવળ બાયપાસ પર દોઢ માસ પહેલા પકડાયેલા અનાજના ચોંકાવનારા રિપોર્ટ સામે આવ્યા બાદ મામલતદારે પ્રાચી ગામના શખ્સ વિરુદ્ધ FIR નોંધાવી છે.
વેરાવળ સોમનાથ હાઇવેના બાયપાસ પર આશરે દોઢ મહિના પહેલાં વેરાવળ મામલતદારે બાતમી મળતા રોડ પર પસાર થઈ રહેલા અનાજ ભરેલા ટ્રક પર રેડ કરી હતી મામલતદારે ટ્રકમાં રહેલો મસમોટો ચોખાનો જથ્થો જપ્ત કરી સેમ્પલ લેવાયા હતા. આશરે 19 હજાર કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો હતો.
લેવાયેલા સેમ્પલનો લેબ રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં સાબિત થયું છે કે, ચોખાનો જથ્થો વેપારીનો નહીં પણ ગરીબોના રાશનનો છે. તેના કારણે વેરાવળ મામલતદારે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પ્રાચીના વેપારી ઇકબાલ કાલવાણી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ સાથે જ કલેક્ટર દ્વારા લોકોને સૂચના આપવામાં આવી છે કે, તેમને સસ્તા ભાવે અપાતું અનાજ ફેરિયાઓને ન આપે.