December 26, 2024

સામાન્ય બોલાચાલીમાં થઈ હત્યા, નરોડા પોલીસે કરી રિક્ષાચાલકની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં હત્યાની ઘટના બની છે. રીક્ષા ચાલકે સામાન્ય બોલાચાલીમાં છરી મારી યુવકની હત્યા નીપજાવી છે. હત્યાના ગુના નોધી પોલીસે રિક્ષાચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરના નરોડા પાટિયા પાસે ગત્ત મોડી રાત્રે રીક્ષા ચાલક અને એકટીવા ચાલક વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીમાં મનોજ ગીધવાણી નામના યુવક પર છરી વડે હુમલો કરતા તેનું મૃત્યુ નીપ્યું છે. મનોજ પોતાની દીકરીની દવા લેવા માટે નરોડા પાટિયા પાસે ગયો હતો. જ્યાં રીક્ષા ચાલક સાથે કોઈ કારણોસર બોલાચાલી થતા બંને વચ્ચે મારામારી થઈ હતી. જે હુમલામાં રીક્ષા ચાલક ભાવેશ ભાવસારે મૃતકને છરીના ઘા મારતા સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા મનોજનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે નરોડા પોલીસે હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે રિક્ષા ચાલક ભાવેશ ભાવસારની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે બંને વચ્ચે કયા કારણોસર બોલાચાલી થઈ હતી. અને જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે રીક્ષા ચાલક ભાવેશએ કોઈ નશો કર્યો હતો કે કેમ તે માટે તેની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે.મહત્વનું છે કે ઘરેથી દવા લેવા નીકળેલા મનોજને રીક્ષા ચાલક સાથે કયા કારણોસર માથાકૂટ થઈ તે જાણવા પોલીસે અન્ય રિક્ષાચાલકોની પણ પૂછપરછ શરૂ કરી છે.

સામાન્ય બોલાચાલી બાદ થયેલા હત્યાને લઈને પોલીસ તપાસમાં એક વાત તો સામે આવી છે કે જે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો તે છરી રીક્ષા ચાલક પોતાની પાસે જ રાખતો હોવાનું સામે આવ્યું છે.હાલ પોલીસે ગુનો નોંધી આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી.