રાજકોટમાં કોલેરાનો 1 કેસ મળી આવતા દોડધામ, આરોગ્ય વિભાગે શરૂ કરી તપાસ
ઋષિ દવે, રાજકોટ: ચોમાસું શરૂ થતાંની સાથે જ પાણીજન્ય રોગોમાં ધરખમ વધારો થતો જોવા મળે છે. ત્યારે, પાણીજન્ય રોગચાળા માટે પંકાયેલા રાજકોટમાં આજે કોલેરાનો કેસ સામે આવતા દોડધામ મળી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે રાજકોટ શહેરના લોહાનગર વિસ્તારમાંથી કોલેરાનો 1 કેસ સામે આવ્યો છે. જેને પગલે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને લોહાનગર સહિત આસપાસના જુદા જુદા વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે.
રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા શહેરના લોહાનગર સહિત શહેરના તમામ શંકાસ્પદ હોય તેવા વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને સાવચેતીના તમામ પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાજકોટ માંથી આજે મળી આવેલ કોલેરાના કેસને લઈને રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું છે કે લોહનગર આસપાસનાં વિસ્તારોમાં જુદી-જુદી ટીમો દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, તાજેતરમાં જ ઉપલેટાના ગણોદ-તણસવા રોડ ઉપર કોલેરાએ પાંચ બાળકોનો ભોગ લીધો હતો. ત્યારે, હવે ઉપલેટાની અસર રાજકોટમાં પણ જોવા મળી રહી છે.