ભરૂચ: પરિવારમાં રાત્રે તકરાર થઇ અને સવારે ત્રણ લોકોના મૃતદેહ મળ્યા
ભરૂચ: ભરૂચના રેલવે કોલોની વિસ્તારથી એક ગમખ્વાર સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોના આપઘાતની ખબરથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. સામુહિક આપઘાતની આ ઘટના બાદ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચમાં આવેલ રેલવે કોલોની વિસ્તારમાં મકાન નંબર 344માં રહેતા પરિવારમાં રાત્રે તકરાર થઈ હતી. જે બાદ પત્નીએ રાત્રે જ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી હતી અને બાદમાં તેણે ટ્રેન નીચે પડતું મૂકી પોતે પણ આત્મહત્યા કરી હોવાનુ અનુમાન છે. જોકે હાલમાં સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આત્મહત્યાની આ ખબર મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મકાન નંબર 344ની આસપાસના પાડોસીઓના નિવેદનો લીધા હતા જે બાદ મૃતકોની લાશોને પીએમ એર્થે હોસ્પિટલ ખસેડી હતી. આ ઘટના બાદ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.