December 19, 2024

સુરત ક્રાઈમ બ્રાંચે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી 13 લાખથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂપિયા 13 લાખથી વધુનો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે અને અલગ-અલગ પોલીસ મથકમાં 3 ગુનાઓ રજીસ્ટર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ વેચતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે રાંદેર ઋષભ ચાર રસ્તાથી અડાજણ પાટિયા તરફ જતા ઇન્ડીયન ઓઈલ પેટ્રોલપંપની પાસે વોચ ગોઠવી જાહેર રોડ પરથી ગત 2 જુલાઈ 2024 નારોજ આરોપી અફશરઅલી અશરફઅલી સૈયદને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 25.370 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પડ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા 2,53,700 થાય છે. ઉપરાંત પોલીસે રાંદેર ગોરાટ કોઝવે રોડ એસએમસી ક્વાર્ટસ ખાતે તેના રહેણાંક મકાનમાં પણ દરોડો પાડ્યો હતો. જ્યાંથી પણ પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે તેના ઘરમાંથી 7.390 ગ્રામ એમડી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની કિંમત રૂપિયા 73,900 છે. આમ પોલીસે કુલ 32.760 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 3,86,500 મુદામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં આંખના પલકારામાં રૂ. 4.55 કરોડનો હીરો બદલી છેતરપિંડી આચરનાર ઝડપાયો

આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો નાનપુરા કાદરશાની નાળ પાસે રહેતા અયાન પાસેથી લાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે રાંદેર પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન નાનપુરા કાદરશાની નાળ પાસે પાસે નવા બનતા મેટ્રો સ્ટેશન પાસે જાહેરમાંથી આરોપી આયાનખાન આયુબખાન પઠાણને પણ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો. બીજા બનાવમાં સુરત ક્રાઈમ બ્રાંચની અન્ય ટીમે ભેસ્તાન ગણેશકૃપા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે જાહેર રોડ ઉપરથી આરોપી નિર્મિત ક્રિષ્ના કુમાર જાડેજાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 80.26 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા 8,02,600 થાય છે. તેમજ આ ડ્રગ્સનો જથ્થો આપનાર જય મકવાણા તથા અજાણ્યા ઇસમોને વોન્ટેડ જાહેર કરી આ મામલે ભેસ્તાન પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કર્યો હતો.

વોન્ટેડ આરોપી જય મકવાણાની તપાસ કરતા વરાછા હીરાબાગ સર્કલથી અશ્વિની કુમાર રોડ તરફ જતા રોડ પાસેથી આરોપી જયેશભાઈ ભાણાભાઈ મકવાણાને પણ ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી પણ 23.00 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય લેવલે કિંમત રૂપિયા 2,30,000 છે. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે .આમ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક જ દિવસમાં અલગ અલગ ત્રણ જગ્યાએ રેડો કરીને કુલ 136.02 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યો છે. જેની કુલ કિંમત રૂપિયા 13,60,200 છે. ઉપરાંત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, 23 જુનના રોજ સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા એક જ દિવસમાં 5 કેસ કરવામાં આવ્યા હતા અને 350 ગ્રામ જેટલું MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અઠવા પોલીસ મથકમાં 2, રાંદેરમાં 1, પાલમાં 1 અને ડીસીબી પોલીસ મથકમાં 1 ગુનો દાખલ કરી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તપાસ હાથ ધરીને વધુ બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી દરમ્યાન ગતરોજ સુરત ક્રાઈમ બ્રાંચને વધુ 3 કેસ કરવામાં સફળતા મળી છે. આગામી સમયમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સુરત પોલીસની ટીમ વધુ ને વધુ સખ્તાઈથી કામ કરશે.