દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ; સુરતની ખાડીમાં પૂર જેવી સ્થિતિ, નવસારીમાં રસ્તાઓ બંધ
Heavy Rain In Surat: હવામાન વિભાગની આગાહી બાદ રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. જે બાદ સુરતમાં ભારે વરસાદ બાદ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સુરતના ઓલપાડ તાલુકામાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઓલપાડ કોલેજ રોડ પર આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. આ સિવાય ઓલપાડ મામલતદાર કચેરીની આસપાસ પણ પાણી ભરાયા છે.
મળતી માહિતી અનુસાર સુરતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાની માહિતી સામે આવી છે. સુરતના ઓલપાડ સહિત ઝીંગા તળાવ ના દબાણ ના કારણે સેનાખાડીના પાણીનો નિકાલ થતો નથી. જેના કારણે પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘુસી જાય છે. તમને જણાવી દઈએ કે સુરતમાં દર વર્ષે ખાડી પૂરની સમસ્યા સર્જાય છે. આ વર્ષે પણ ખાડી પુર સર્જવાની ભીતિ છે. લિંબાયતની મીઠી ખાડીના પાણીના સ્તરમાં વધારો નોંધાયો છે. મીઠી ખાડીનું રુલ લેવલ 8 મીટરે પહોંચ્યુ છે. પાણીના સ્તરમાં સતત વધારો થતાં લોકો પણ ખાડી પુરને લઇ ચિંતિત છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની મહેર, બનાસકાંઠા-મહેસાણામાં વરસાદી માહોલ
આ સિવાય નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંઘાયો છે. છેલ્લા 24 કલાકમાં 8:30 ઇંચ વરસાદ ખબકતા જનજીવન પ્રભાવિત થયું છે. નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં વરસાદના કારણે પાણી ભરાયા છે. તેમજ નવસારીની શાંતિવન સોસાયટી વિસ્તારના નીચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છે કે નવસારી જિલ્લામાં કુલ 14 જેટલા માર્ગો બંધ છે. તો પંચાયત વિભાગના કુલ 14 માર્ગો બંધ થયા છે. ભારે પવનના કારણે જિલ્લામાં 15 જેટલા ઝાડો પડવાની ઘટના સામે આવી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝાડોને દૂર કરી માર્ગ શરૂ કરાવવામાં આવ્યા છે. જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જોકે, સંબંધિત અધિકારીઓને કચેરી ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યા છે.