January 5, 2025

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, અનેક શહેરોમાં જળબંબાકારની સ્થિતિ

Gujarat Monsoon: આજે સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થયો છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, ભરૂચ, વડોદરા, મોરબી, સુરત, સાબરકાંઠા, સહિત જિલ્લાઓમાં ધોધમાર વરસાદ થયો છે. તો અનેક શહેરો અને ગામડાઓના રસ્તાઓ પર ધોધમાર વરસાદને પગલે નદીઓ વહેતી જોવા મળી હતી. તો સ્માર્ટ સિટી અમદાવાદ સહિતના અનેક શહેરોમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી અને અનેક સ્થળોએ ઝાડ પાડવા અને ભૂવા પાડવાની અનેક ઘટનાઓ સામે આવી હતી.

અમદાવાદમાં ધોધમાર વરસાદથી પાણી પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ થયો જેમાં, બોપલ, ગોતા, સાયન્સ સીટીમાં 7 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે, સરખેજમાં 6, નરોડામાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. જોધપુર ચાર રસ્તા વિસ્તાર અને ચાંદલોડિયામાં 4-4 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે, ચાંદખેડામાં સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. પાણી ભરાવાને કારણે મીઠાખળી અને અખબારનગર અંડરપાસ બંધ કરવા પડ્યા હતા.

બનાસકાંઠાના લાખણી પંથકમાં ધીમીધારે વરસાદ
આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં પણ ધીમીધારે વરસાદ ખબક્યો હતો. લાખણી, આગથલા, વરનોડા સહીતના પંથકોમાં વરસાદ થયો છે. તો, ધમીધારે ખેતી લાયક વરસાદને લઇ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

દ્વારકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ
આજે દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. કલ્યાણપુરના રાવલ સૂર્યવદર સહિતના ગામડાઓમાં વરસાદ થયો. રાવલ ખંભાળિયાા વિસ્તાામાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

સુરેન્દ્રનગરના દસાડા અને ધ્રાંગધ્રામાં વરસાદ
તો, સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અને ધ્રાંગધ્રા સહિત તાલુકામાં કાળાં ડીબાંગ વાદળો વચ્ચે વરસાદ થયો હતો. દસાડાના પાટડી, વણોદ, કઠાડા, ગવાણા માલવણમાં વરસાદ થયો છે. ધ્રાંગધ્રાનાં હરીપર, નારીચાણા, દુદાપુર, જસાપર સહિત ગામડાએમાં વરસાદ થયો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી જોવા મળી.

ભરૂચના રેલવે યાર્ડમાં હજારો ટન મીઠાનું ધોવાણ
તો આજે ભરૂચમાં પણ ધોધમાર વરસાદ થયો છે. જેને કારણે રેલવે યાર્ડમાં હજારો ટન મીઠાનું ધોવાણ થયું છે. રેલવે યાર્ડ ખાતે ખાનગી કોન્ટ્રકટર દ્વારા મીઠું લાવવામાં આવે છે અને અહીથી જ અહીંથી કાચું મીઠુ અલગ અલગ ઔદ્યોગિક એકમમાં પહોંચે છે.

મોરબીનો મચ્છુ 3 ડેમ સંપૂર્ણ ભરાયો
તો આજે મોરબીમાં પણ ચોમાસાનો પ્રથમ વરસાદ થયો છે. પહેલા જ વરસાદમાં જ મચ્છુ 3 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. તો, ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલીને 899 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડાયું છે. મોરબીના 13 અને માળિયાના 8 ગામને એલર્ટ કરવામાં આવ્યા. પાણી છોડાતા મચ્છુ નદી હાલ બે કાંઠે વહી રહી છે. મોરબીમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 72 મિમી વરસાદ નોંધાયો છે.

સુરતના માંડવીમાં વાવ્યા ખાડી બની ગાંડી તુર
તો, સુરતના માંડવીમાં પણ ધોધમાર વરસાદને પગલે મુંઝલાવ ખાતે આવેલી વાવ્યા ખાડી ગાંડી તુર બની છે. ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ રસ્તા પર વાવ્યા ખાડીના પાણી ફરી વળ્યા છે. વાવ્યા ખાડીનો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેને કારણે બોધાનથી મુજલાવને જોડતા 8 જેટલાં ગામો સંપર્ક વિહોણા થયા છે. રસ્તો બંધ થતા મુંજલાવ ગામનો સંપર્ક કપાયો છે. લોકો 10થી 15 કિલોમીટરનો ચકરાવો ફરવા માટે મજબૂર બન્યા છે. હાલ માંડવી સહીત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદથી ઇડરમાં જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્યો
આજે સાબરકાંઠાના ઈડરમાં વરસાદી માહોલ જામ્યો છે જેને પગલે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. સતત એક કલાક કરતાં વધુ સમયથી ઇડરમાં મેધરાજા મહેરબાન થયા હતા. વરસાદી માહોલમાં ઇડરિયો ગઢનાં સુંદરમય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભારે પવન સાથે વરસાદ થતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. ધોધમાર વરસાદને લઈ જગતનો તાત ખુશ ખુશાલ થયો હતો. ચોમાસુ ઋતુમાં બાળકો વરસાદમાં નાહતા જોવા મળ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.