December 23, 2024

શીલજમાં બાળક ત્યજવા મામલે ખુલાસો, પ્રેમી દ્વારા ગર્ભવતી બની હતી અપરિણીત યુવતી

મિહિર સોની, અમદાવાદઃ શીલજમાં નવજાત બાળકને ત્યજી દેવાના કેસનો ભેદ ઉકેલાયો છે. ગ્રામ્ય પોલીસ ડોગ સ્કોડની મદદથી બાળકની માતા સુધી પહોંચી ગઈ છે. અપરિણીત યુવતીએ બાળકને જન્મ આપીને ત્યજી દીધું હોવાનું ખુલ્યું છે. હાલ ગ્રામ્ય પોલીસે બાળક અને માતા DNA ટેસ્ટ કરાવીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ગ્રામ્યમાં શીલજ નજીક ઝાડી ઝાંખરાવાળા અવાવરું સ્થળે નવજાત બાળકને ત્યજી દેવાના કેસનો ભેદ ડોગ સ્કોડએ ઉકેલ્યો છે. ગ્રામ્ય પોલીસના ચેસર નામના કૂતરાંએ બાળકની ત્યજી દેનારી યુવતીની સ્મેલને ટ્રેક કરીને તેને શોધી કાઢી છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો શીલજ ગામમાં અવાવરું જગ્યાએ ઝાડી-ઝાંખરામાં નવજાત બાળકના રડવાનો અવાજ આવતો હતો. ગામના લોકો એકઠાં થયા અને બાળકને કોણ મૂકી ગયું તેની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે ગામની શ્વેતા પરમાર નામની મહિલાએ બાળકને રડતા જોયો અને તેની હાલત ખરાબ હોવાથી શ્વેતાબેને બાળકનો જીવ બચાવવા પોતાના દુપટ્ટામાં બાળકને લઈને પતિ સાથે શીલજની અર્બન હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ સોલા સિવિલ હોસ્પિટલમા એડમિટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. નવજાત બાળકને જન્મ આપનાર માતાએ રડતો મરવા છોડ્યો તો બીજી મહિલાએ યશોદા માતા બનીને બાળકનો જીવ બચાવ્યો હતો. ગ્રામ્ય પોલીસે બાળકનો જીવ બચાવનાર મહિલાનું સન્માન કર્યું છે.

આ પણ વાંચોઃ 10 કલાકમાં 100 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ

શીલજમાં બાળકને ત્યજી દેવાના કેસનો ભેદ ચેસર નામના કૂતરાંએ ઉકેલી કાઢ્યો છે. આ બાળક અવાવરું સ્થળે મળ્યો હતો. ત્યારે પોલીસની ડોગ સ્કોડની ટીમ પહોંચી હતી. આ ઘટનાસ્થળે બાળક નજીક એક દુપટ્ટો મળી આવ્યો હતો. આ દુપટ્ટાની સ્મેલના આધારે શીલજ ગામમાં ચેસર કૂતરાંએ ટ્રેકિંગ શરૂ કર્યું હતું. આ સ્મેલના આધારે તે જુદા જુદા સ્થળેથી 200 મીટરની અંદર એક બંધ મકાન સુધી પહોંચ્યો હતો. જ્યાં બાળકને જન્મ આપનાર અને ત્યજી દેનાર માતા મળી આવી હતી. આ પ્રકારે ચેસર ડોગે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે તપાસ કરતા બાળકની માતા રાજસ્થાનની હોવાનું સામે આવ્યું છે અને સગીર વયની હોવાની પણ શક્યતા છે. ત્યારે અપરિણીત હોવાથી પ્રેમ પ્રકરણમાં ગર્ભવતી થઈ હોવાથી બાળકને ત્યજી દીધું હતું. આ સમગ્ર મામલે ગ્રામ્ય પોલીસે બાળક અને માતા તેમજ પિતાના DNA ટેસ્ટ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં બેટિંગ, મોટાભાગના જિલ્લામાં વરસાદ

બાળકની માતા સગીર વયની હોવાની શંકાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં 317ની કલમ હેઠળ બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધ્યો છે. જ્યારે આ યુવતીને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.