કેમ અધૂરી છે ભગવાન જગન્નાથજી સહિત ભાઈ-બહેનની મૂર્તિઓ, જાણો કથા
અમદાવાદઃ કૃષ્ણના ચારધામમાં જગન્નાથ પુરીનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેની સાથે અનેક માન્યતાઓ જોડાયેલી છે. આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની અધૂરી મૂર્તિઓ સાથે પણ અનેક કથા જોડાયેલી છે. તો આવો જાણીએ તેનો રસપ્રદ ઇતિહાસ…
એક દંતકથા પ્રમાણે, કૃષ્ણના મૃત્યુ બાદ તેમના શોકગ્રસ્ત ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી તેમના અડધા બળેલા શરીરને લઈને દ્વારકાના સમુદ્રકિનારે પહોંચ્યા હતા. ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ્નને સપનું આવ્યું હતું અને તેમાં જોયું હતું કે, કૃષ્ણનું શરીર એક લાકડાંના રૂપમાં તેમના દરિયાકિનારે તરીને આવ્યું છે.
ત્યારબાદ ઇન્દ્રદ્યુમ્ને લાકડાને રાખવા માટે એક મંદિર બનાવવાનું નક્કી કર્યું. તેમણે આ લાકડાંમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવા માટે મૂર્તિ બનાવનારાની શોધખોળ હાથ ધરી હતી. ઘણી મહેનત પછી તેમને એક વૃદ્ધ મળ્યા જે મૂર્તિઓ બનાવવા માટે રાજી થયા હતા. એવું કહેવામાં આવે છે કે, ભગવાન વિશ્વકર્મા પોતે વૃદ્ધનું સ્વરૂપ લઈને મૂર્તિ બનાવવા માટે આવ્યા હતા.
જ્યારે વિશ્વકર્મા વૃદ્ધ સુથારના રૂપમાં મૂર્તિ બનાવતા હતા, ત્યારે તેમણે રાજા ઈન્દ્રદ્યુમ્ન સમક્ષ શરત મૂકી હતી કે, તે દરવાજો બંધ કરીને મૂર્તિ બનાવશે. જ્યાં સુધી મૂર્તિઓ બની નહીં જાય ત્યાં સુધી કોઈને પણ રૂમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જો તે પહેલાં દરવાજો ખોલવામાં આવશે તો તેઓ મૂર્તિ બનાવવાનું બંધ કરી દેશે. દરરોડ બંધ રૂમમાંથી મૂર્તિ બનાવવાનો અવાજ આવતો હતો. ત્યારે એક દિવસ અંદરથી અવાજ આવવાનો બંધ થઈ ગયો હતો. તેમણે વિચાર્યું કે વિશ્વકર્મા કામ છોડીને જતા રહ્યા છે અને રાજાની શંકા વધતી ગઈ. અંતે રાજાએ દરવાજો ખોલાવ્યો અને શરત મુજબ વિશ્વકર્મા અંદરથી ગાયબ થઈ ગયા હતા અને ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓ અધૂરી રહી ગઈ હતી. તે દિવસથી આજ સુધી અહીં મૂર્તિઓ એક જ સ્વરૂપમાં હાજર છે.
ચાર વેદ પ્રમાણે ભગવાનનું સ્વરૂપ
વેદ અનુસાર, ભગવાન બળભદ્રજી ઋગ્વેદનું સ્વરૂપ છે, જગન્નાથજી સામદેવનું સ્વરૂપ છે, સુભદ્રાજી યજુર્વેદનું સ્વરૂપ છે અને સુદર્શન ચક્રને અથર્વવેદનું સ્વરૂપ માનવામાં આવે છે. અહીં શ્રી જગન્નાથજી દારુમય સ્વરૂપે બિરાજમાન છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન જગન્નાથ, બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિઓ રત્ન-જડિત પથ્થરના આસન પર સ્થાપિત છે. ચારેય પ્રવેશદ્વારો પર હનુમાનજી બિરાજમાન છે અને હંમેશા જગન્નાથજીના મંદિરની રક્ષા કરે છે.