December 23, 2024

VNSGUના તઘલખી નિર્ણયનો વિરોધ, 300 કર્મીઓને 2-3 મહિનાનો કોન્ટ્રાક્ટ આપવા વિવાદ

અમિત રુપાપરા, સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તઘલખી નિર્ણયના કારણે કરાર આધારિત કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે. કારણ કે, યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટના નામે યુનિવર્સિટી તંત્ર દ્વારા લોલીપોપ પકડાવી દેવામાં આવ્યો છે. કરાર આધારિત નોકરી કરતા 300 કર્મચારીઓને 11 માસનો કોન્ટ્રાક્ટ કરવાના બદલે બે મહિના કે ત્રણ મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત નોકરી આપવામાં આવી રહી છે. આ બાબતે કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે અને કર્મચારીઓની માગણી છે કે તેમનો કરાર 11 મહિના આધારિત કરવામાં આવે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વહીવટી નિર્ણયો લેવામાં આવતા હોય છે તે અણઘણ રીતે લેવામાં આવતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે આવા જ એક નિર્ણયના કારણે યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા 300 જેટલા કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની નવી આગાહી, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા

યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને કોન્ટ્રાક્ટના નામ પર લોલીપોપ પકડાવી દેવામાં આવ્યો છે. જેથી કરાર આધારિત 300 જેટલા કર્મચારીઓ દ્વારા યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ધરણાં કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કર્મચારીઓને અગાઉ ત્રણ મહિનાના કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા હતા. જો કે, હવે ત્રણ માસનો કોન્ટ્રાક્ટ પૂરો થતા કર્મચારીઓને આશા હતી કે, 11 મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવશે. પરંતુ ફરીથી તેમને બે મહિનાના કોન્ટ્રાક્ટ આધારે નોકરી આપવામાં આવી હતી. તેથી આ કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ જૈન મુનિનો મહિલા સાથે અશ્લીલ હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

મહત્ત્વની વાત છે કે, ઘણા કર્મચારી યુનિવર્સિટીમાં 17-18 વર્ષથી ફરજ બજાવે છે. છતાં પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આ કર્મચારીઓની માગણી એવી છે કે, તેમને 11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારે નોકરી આપવામાં આવે. આ પ્રકારે તેમની સાથે મજાક કરવામાં ન આવે. આ ઉપરાંત કેટલાક કર્મચારી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ કર્મચારી આ પદ્ધતિનો વિરોધ કરે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ચીમકી પણ આપવામાં આવે છે અથવા તો નાની એવી ભૂલ થાય તો પણ અન્ય વિભાગમાં તેની બદલી કરી દેવામાં આવે છે.