July 1, 2024

ધુંઆધાર ફટકાબાજીથી મેચ વિનર બનનાર રોહિત શર્માએ કહ્યું: પ્રેશર ઊભું કરવું જરૂરી હતું

ICC T20 WC: ભારતીય કેપ્ટન રોષિત શર્માએ ICC T20 વર્લ્ડ કપની સુપર-8ની ગ્રુપ મેચમાં સોમવારે ઓસ્ટ્રેલિયાને જોરદાર ધોબીપછાડ હાર આપીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે. મેચ ખતમ થયા બાદ રોહિત શર્માએ વિનિંગ સ્પીચમાં કહ્યું હતું કે તે પોતાના તોફાની અર્ધશતકમાં બસ તે જ અંદાજમાં બેટિંગ કરવા માંગતા હતા જે તેઓ અત્યાર સુધી કરતાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્માએ 41 બોલમાં 7 ફોર અને 8 સિક્સની મદદથી 92 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેના પ્રતાપે ભારતનો સ્કોર 5 વિકેટ સાથે 205નો સ્કોર કર્યો હતો જે ટુર્નામેન્ટનો સૌથી વધુ સ્કોર હતો. તેમણે ઋષભ પંત (15) સાથે બીજી વિકેટની સાથે માત્ર 38 બોલમાં 87 રનની ભાગીદારી કરી હતી. પ્લેયર ઓફ ધ મેચ બનેલ રોહિત શર્માએ કહ્યું હતું કે તે એ જ અંદાજમાં બેટિંગ કરવા માંગતા હતા જે અત્યાર સુધી તેઓ કરી આવ્યા છે.

પોતાની બેટિંગને લઈને રોહિતે કહી આ વાત

મેચ બાદ રોહિતે કહ્યું, ‘જ્યારે તમે ખુલ્લા મનથી રમો છો અને માત્ર એક શોટ વિશે વિચારતા નથી, તો તમે મેદાનના દરેક ખૂણામાં રન બનાવી શકો છો. તે સારી વિકેટ હતી અને તમે શોટ રમવા માટે ખુદને તૈયાર કરવા માંગો છો. હું છેલ્લા કેટલાક વર્ષોથી આ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને મને ખુશી છે કે આજે તે શક્ય બન્યું છે.

તેમણે વધુમાં કહ્યું, ‘અર્ધ શતક અને શતકથી કોઈ ફરક પડતો નથી, હું બસ એ જ અંદાજમાં બેટિંગ કરવા માંગતો હતો જે રીતે હું અત્યાર સુધી કરતો આવ્યો છું. તમે મોટો સ્કોર કરવા માંગો છો. હા, પરંતુ સાથે જ તમે ઇચ્છો છો કે બોલર્સ વિચારે કે નેક્સ્ટ શોટ ક્યાં આવશે અને મને લાગે છે કે હું આજે તે કરવામાં સફળ રહ્યો છું.