December 21, 2024

ખંભાળિયામાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ, જનજીવન ખોરવાયું

ખંભાળિયાઃ હવામાન વિભાગની 7 દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જેમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન ખોરવાયું હતું.

મોડી રાતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી નાંખી હતી. ખંભાળિયા શહેરમાં રાત્રીના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ કરતા 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. શહેરના નગર ગેટ, સોની બજાર, રામનાથ રોડ સહિતના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. રસ્તાઓ પર નદીઓ જેવો માહોલ સર્જાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ ઉપરાંત ઘણાં વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો વારો આવ્યો હતો. નગરવાસીઓને પણ વરસાદને કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સંખેડામાં 1.2 ઇંચ

સવારે 2 કલાકમાં 55 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા બે કલાકમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ત્રણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 52 તાલુકામાં છેલ્લા બે કલાકમાં 1 ઈંચથી ઓછો વરસાદ થયો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યમાં સૌથી વધુ સંખેડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના સંખેડા તાલુકામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. હાલોલ અને કરજણ તાલુકામાં નોંધાયો 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યના અનેક જિલ્લામાં મેઘો મહેરબાન, રાજકોટમાં કલાકમાં 1 ઇંચ વરસાદ

24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો
રાજ્યના છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 30 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 11 તાલુકામાં પોણા 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના 89 તાલુકામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં ખાબક્યો છે. ત્યાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં ખંભાળિયામાં પોણા 3 ઈંચ, સંખેડા તાલુકામાં અઢી ઈંચ, ડાંગના સુબિર તાલુકામાં અઢી ઈંચ, તાલાલામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

કચ્છના મુંદ્રામાં અને જૂનાગઢ શહેર તેમજ તાલુકામાં સવા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. વંથલી, કાલાવાડ, બોટાદ, વિસાવદર તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ભાવનગરના પાલિતાણામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. લોધીકા, સાવરકુંડલા, ટંકારા, વાલીઆ, બોડેલીમાં દોઢ ઈંચ વરસાદ છે. માંગરોળ, નેત્રંગ, માળીયા હાટીના તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.