ભગવાન જગન્નાથજી ભાઈ-બહેન સાથે મોસાળમાં પધાર્યા, 15 દિવસ રોકાશે
અમદાવાદઃ 147મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જેઠ સુદ પૂનમને દિવસે ભગવાન જગન્નાથજી સહિત બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીને નદીઓનાં પાણીથી સ્નાન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ સરસપુર મોસાળમાં રહેશે.
ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી 15 દિવસ મોસાળમાં રહેશે. ભગવાનને આવકારવા માટે મોસાળમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહ શોભાયાયાના યજમાન બન્યા છે.
આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સરસપુરના ભાવિક ભક્તો જોડાયાં હતા. શોભાયાત્રાને લઈને સરસપુરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભગવાનને વાજતેગાજતે મામાના ઘરે લઈ જવામાં આવ્યા હતા અને આરતી ઉતારવામાં આવી હતી.
સવારે જળયાત્રાનું કર્યું હતું આયોજન
અખાત્રીજથી રથયાત્રાના પર્વની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે આજે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજવામાં આવી હતી. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથજીના નિજ મંદિરેથી જળયાત્રા શોભાયાત્રા સ્વરૂપે કાઢવામાં આવી હતી. ત્યાંથી યાત્રા સાબરમતી નદી પહોંચી હતી અને સોમનાથ ભૂદરના કિનારે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું. આ જલયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા મંદિરના ટ્રસ્ટી જોડાયાં હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું.