December 22, 2024

સુત્રાપાડાનો ત્રણ મહિનાથી ફરાર પોસ્કોનો આરોપી આખરે ઝડપાયો

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથના સુત્રાપાડા પોલીસ સેટશનમાંથી ફરાર થયેલો એક આરોપી આખરે ત્રણ મહિના બાદ ઝડપાઇ આવ્યો છે. સુત્રાપાડા પોલીસે વાડી વિસ્તારોમાંથી આ ભાગેડુ આરોપીને દબોચી લીધો છે.

ગીરના સુત્રાપાડામાં એક બહુચર્ચિત કેસમાં પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉઠયા હતા. ત્રણ મહિના પહેલાના આ કેસમાં, એક આરોપી પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયો હતો. એટલું જ નહીં, આરોપીને ફરાર થવામાં મદદ કરનારનું પોલીસ કસ્ટડીમાં જ મોત થઈ ગયું હતું. જેમાં 6 થી વધુ પોલીસકર્મીઓ સામે ગુનો પણ દાખલ કરવામાં આવો હતો. જોકે, આખરે મુખ્ય આરોપી તરુણ ત્રણ મહિના બાદ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.

પોલીસના જણાવ્યા મુજબ થોડા મહિનાઓ પહેલા તરુણ નામના યુવાન પર તેનાથી નાની ઉંમરની કિશોરીને ભગાડી જવાનો આરોપ લાગ્યો હતો અને પોસ્કોની કલમો અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ કર્યા બાદ તેણે સુત્રાપાડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો જ્યા તે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.

તરુણ નામનો યુવાન સુત્રાપાડા પોલીસ સ્ટેશન માંથી ફરાર થયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. જો કે, આ સમયગાળા દરમ્યાન કિશોરીના માતા દ્વારા વધુ એક ફરિયાદ નોંધાવી હતી કે તરુણ તેમની દીકરીને ફરી ભગાડી ગયો છે. તરુણ સાથે તેના બે દોસ્ત પ્રતીક મેર અને રોહિત મેર તેની સાથે હતા. જેથી આ ત્રણેય વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

એક તરફ પોલીસ તરુણની સતત શોધખોળ કરતી હતી. તો બીજી તરફ , પ્રથમ વખત પોલીસે જ્યારે તરુણને સુરતથી ઝડપ્યો હતો તે સમયે તેને આશરો આપનાર અને તેને મદદ કરનાર જાફરાબાદના તરુણના બનેવી નરેશની પણ પોલીસ ધરપકડ કરીને સુત્રાપાડા લઈ આવી હતી. જો કે, તેનું કસ્ટડીમાં ઇજાગ્રસ્ત થતાં મોત થયું હતું. જેને કારણે તાલાલા CPI સહિત 6 થી વધુ પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આમ સમગ્ર પ્રકરણમાં પહેલા આરોપીનું પોલીસ સ્ટેશન માંથી ફરાર થવું, આરોપી દ્વારા કિશોરીને ફરીથી ભગાડી જવું, આરોપીને મદદ કરનાર બનેવીનું પોલીસ કસ્ટડીમાં મોત થવું અને ત્રણ ત્રણ મહિનાથી આરોપીનું ફરાર રહેવું સમગ્ર બાબતોને લઈને સુત્રાપાડા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. જોકે, હવે આખરે આરોપી તરુણ પોલીસના હાથે લાગતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.