December 26, 2024

વલસાડમાં NDRFની ટીમ સ્ટેન્ડબાય, 5 દિવસ ભારે વરસાદની આગાહી

વલસાડઃ હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટિમ સ્ટેન્ડબાય કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એક NDRFની ટિમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. NDRFની ટિમ દ્વારા વલસાડના લોલેવલના વિસ્તારો તથા તિથલ બીચની મુલાકાત લેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વધી જાય છે. તેને કારણે પાણી ભરાય તો વહેલી તકે NDRF દ્વારા કઈ રીતે ત્યાંના લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવે એ માટે તમામ લો લેવલના વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી. આ સાથે ત્યાંના લોકો સાથે વાતચીત કરી પૂર સમયે કઈ રીતે જાનમાલ બચાવી શકાય એ માટે માહિતી અપાઈ હતી.

જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે શહેર સહિત ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહીના પગલે ભારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડના શહેર તથા ગ્રામ્ય વિસ્તાર સહિત વાપી, પારડી વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડના મોટાભાગના ગામોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભારે પવન સાથે વરસાદને કારણે અનેક વિસ્તારમાં વીજપ્રવાહ બંધ થઈ ગયો છે.

નેશનલ હાઇવે પાણીમાં ગરકાવ
પારડીના ચંદ્રપુર નજીક ભારે વરસાદને કારણે નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે 48 પર પાણી ભરાઈ ગયા છે. હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પરિસ્થિતિને ધ્યાને રાખતા વલસાડ પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. હાઇવે ઓથોરિટીની બેદરકારીને કારણે નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.