December 20, 2024

સુરતમાં ભત્રીજા-વહુએ કરી મામા-મામીની હત્યા, માથાના ભાગે પથ્થરના ઘા માર્યા

અમિત રુપાપરા, સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલા ભિખાભાઈ પટેલના ખેતરમાં રખેવાળી કરતા દંપતીની ક્રૂર હત્યા પ્રકરણમાં પોલીસે ભેદ ઉકેલતા ખુલાસો થયો છે. જેમાં મૃતક દંપતીના નજીકના જ એક સંબંધીએ શરીર સંબંધ બાંધવા અને પૈસાની રકઝકમાં દંપતીની હત્યા કરવાનો ઘટસ્ફોટ થયો છે.

પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલી ક્રિષ્ના વેલી સોસાયટી પાસે ગાંગપુરના ભિખાભાઈ છગનભાઈ પટેલના ખેતરની રખેવાળી માટે ઉમેશભાઈ બાબુભાઈ રાઠોડ તથા તેની પત્ની રમિલા બન્ને સાથે રહેતા હતા. આ બંનેની ક્રૂર હત્યા કરેલા મૃતદેહ મળી આવતા પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી ઉમેશ સાથે તેનો દૂરનો ભાણેજ વિજય ઉર્ફે લાલો છીતુ રાઠોડ તેની પત્ની સાથે રહેવા આવ્યો હતો. હત્યા બાદ વિજય ગાયબ હતો અને તેનો મોબાઈલ ફોન પણ બંધ હતો. પોલીસે એલસીબી, એસઓજી તેમજ પલસાણા પોલીસની અલગ અલગ ટીમ બનાવી વિજયની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન વિજય પોલીસના હાથે લાગી ગયો હતો અને સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં વિદ્યાર્થિનીનું ગળું દબાવીને દુષ્કર્મનો પ્રયાસ, આરોપીની ધરપકડ

ભોગ બનનાર દંપતી આરોપી વિજય રાઠોડના મામા-મામી થતા હતા. તેથી વિજય તેની પત્ની સાથે બે-ત્રણ દિવસથી તેના મામા-મામી સાથે ખેતરમાં આવી સાથે રહેતા હતા અને ત્રણ દિવસ સુધી સાથે મજુરી કામ કર્યું હતું. ત્યારબાદ મજૂરી કામના પૈસા બાબતે આરોપીઓ તથા મૃતક દંપતીઓ વચ્ચે ગાળા-ગાળી અને બોલાચાલી કરી ઝઘડો થયો હતો. તેમજ સાથોસાથ વિજય મામી ઉપર ખરાબ નજરથી જોતો હોવાથી મામા-ભાણેજ વચ્ચે ત્રણ દિવસથી મનદુઃખ પણ ચાલતું હતું. જેથી હત્યારા વિજયે તેની પત્ની શિલા સાથે મળીને બંને મામા-મામીનું ઢીમ ઢાળી નાખવાનું નક્કી કરી લીધું હતું. મામા-મામી ઉંઘી જાય તેની રાહ જોઈને લોખંડના પાઈપ વડે અને પથ્થરના બ્લોક વડે મામા-મામી ઉપર ઉંઘમા જ માથાના ભાગે ઉપરા-છાપરી ઘા મારી બંનેની કરપીણ હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ ત્યાંથી બંને ભાગી ગયા હતા. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ભેદ ઉકેલી નાંખ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતની સરકારી કચેરીમાં મનપાના કર્મીઓ દ્વારા દારૂ પાર્ટી, પાલિકા એક્શન મોડમાં

હત્યારા વિજયે હત્યાના બનાવ પહેલાં તેના મામાના મોબાઇલ પર 20 જેટલા મિસકોલ કર્યા હતા. જેથી આ હત્યા સાથે વિજયનો સીધો સંબંધ હોવાની સંભાવનાઓ વધી ગઈ હતી. જેને લઈ પોલીસ તપાસ દરમિયાન પ્રથમ દ્રષ્ટિએ જ શંકાના દાયરામાં આવી ગયો હતો. જો કે, પોલીસે હત્યારા વિજય અને તેની પત્નીને જેલના હવાલે કરી વધુ પૂછતાછ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.