January 10, 2025

કેપ્ટન કુલ પર માનહાનિનો કેસ, જાણો સમગ્ર મામલો

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધોનીના પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકર અને મિહિરની પત્ની સૌમ્યા દાસે આ કેસ દાખલ કર્યો છે. આ કેસની સુનાવણી 18 જાન્યુઆરીએ થવાની છે. મિહિરનું કહેવું છે કે તેની સામે નોંધાયેલા કેસમાં કોર્ટ કોઈ નક્કર નિષ્કર્ષ આપી શકે તે પહેલા જ ધોનીના વકીલ દયાનંદ શર્માએ 6 જાન્યુઆરી, 2024ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને તેના પર આરોપો લગાવ્યા હતા. જેને મીડિયા દ્વારા વધારે પડતું બતાવવામાં આવ્યું છે, જેનાથી તેની છબી ખરાબ થઈ છે.

ધોનીએ મિહિર દિવાકર પર 15 કરોડ રૂપિયાના નુકસાનનો આરોપ લગાવ્યો હતો

મિહિર દિવાકરે માનહાનિનો કેસ દાખલ કરીને માંગણી કરી છે કે તેમને તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાથી રોકવામાં આવે. અગાઉ, એમએસ ધોનીએ અર્કા સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ અને મેનેજમેન્ટ લિમિટેડના માલિકો મિહિર અને સૌમ્યા વિરુદ્ધ રાંચીની સિવિલ કોર્ટમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો, જેમાં 15 કરોડ રૂપિયાનું નાણાકીય નુકસાન પહોંચાડવાનો આરોપ છે.

આ પણ જુઓ : IPL માં ધોની રમશે કે નહીં…? રાંચી પહોંચતા જ તૈયારી કરી શરૂ- Video

આ મામલો ધોની અને મિહિર દિવાકર વચ્ચેના બિઝનેસ ડીલ સાથે જોડાયેલો છે

ધોની અને અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ વચ્ચે વર્ષ 2017માં બિઝનેસ ડીલ કરવામાં આવી હતી. જે અંતર્ગત ભારત અને વિદેશમાં ક્રિકેટ એકેડમી ખોલવાની હતી. આ ડીલમાં જે શરતો પર સહમતિ થઈ હતી તેનું પાલન પાછળથી કરવામાં આવ્યું ન હતું. ધોનીના વકીલે જણાવ્યું હતું કે ડીલ દરમિયાન એ વાત પર સહમતિ થઈ હતી કે કેપ્ટન કૂલને સંપૂર્ણ ફ્રેન્ચાઈઝી ફી મળશે અને નફો ધોની અને તેના પાર્ટનર વચ્ચે 70:30ના આધારે વહેંચવામાં આવશે, પરંતુ બિઝનેસ પાર્ટનરે ધોનીની જાણ વગર ફ્રેન્ચાઈઝી લઈ લીધી હતી. માત્ર એકેડેમી ખોલવાનું શરૂ કર્યું અને પૈસા ચૂકવ્યા નહીં.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ધોનીએ તેના બે જૂના બિઝનેસ પાર્ટનર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. ધોનીએ ફરિયાદમાં લખ્યું હતું કે તેને ક્રિકેટ એકેડમી ખોલવાનો કોન્ટ્રાક્ટ મળવાનો હતો, પરંતુ તેને આપવામાં આવ્યો ન હતો અને તેના 15 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

કોણ છે મિહિર દિવાકર?

મિહિરે 2000માં અંડર-19 વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. દિવાકર એમએસ ધોનીના નજીકના મિત્રોમાંનો એક હતો. બંનેએ સાથે રણજી મેચ પણ રમી છે. આરકા સ્પોર્ટ્સની વેબસાઈટ અનુસાર મિહિર કંપનીનો ફાઉન્ડર છે. જ્યારે ધોનીને મેન્ટર ગણાવ્યો છે. મિહિરે 2017માં ધોની સાથે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે કરાર કર્યો હતો. કરાર હેઠળ નફાનો હિસ્સો નક્કી કરવામાં આવ્યો હતો. ધોનીને 70 ટકા ચૂકવવાના હતા પરંતુ દિવાકરે કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું. જેના કારણે પૂર્વ ભારતીય કેપ્ટને 2021માં કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો હતો. આ પછી પણ તેણે ધોનીના નામે ભારત અને વિદેશમાં એકેડમી ખોલી.