પાકિસ્તાનમાં જે ઊંટના પગ કાપી નખાયા હતા તેના માટે દુબઈથી આવશે કૃત્રિમ પગ

કરાંચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ચારાની શોધમાં એક ખેતરમાં ઘૂસી ગયેલ ઊંટના પગ કાપી નાખવાના આરોપોમાં જમીનદાર અને તેના 5 નોકરોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટનાથી સ્તબ્ધ થયેલ એક રાજકીય નેતાએ ઊંટ માટે છેક દુબઈથી કૃત્રિમ પગની વ્યવસ્થા કરી છે.
મહત્વનું છે કે ગત સપ્તાહે સંઘર જિલ્લાના મુંડ જમરાવ ગામમાં એક ઊંટનો ડાબો પગ કાપીને કાપેલો પગ હાથમાં લઈને સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, પગ કાપનાર જમીનદાર રૂસ્તમ શાર અને તેના પાંચ નોકરની ધરપકડ કરી લેવામાં આવી. આ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર ભારે હંગામો થયો અને પશુ અધિકાર સંગઠનો તથા લોકોએ સરકાર સમક્ષ જમીનદાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.
ઊંટના માલિક અને ખેડૂત સૂમર બેહાને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ નથી કરી. પરંતુ, આ મામલો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યા બાદ અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો હતો. સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહના નિર્દેશથી આશ્રય સ્થળની મુલાકાત કર્યા બાદ પશુધન સચિવ કાજિમ જાટોએ કહ્યું છે કે ઊંટને તુરંત કરાંચી ખાતે CDRS પશુ આશ્રય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યું છે અને તેના માએ દુબઈથી કૃત્રિમ પગ મંગાવવામાં આવ્યો છે. સચિવે જણાવ્યું કે સિંધ સરકારે ઊંટની સારવારનો ખર્ચ ઉપાડવાનું વચન આપ્યું છે અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી દુબઈથી ઊંટ માટે કૃત્રિમ પગની વ્યવસ્થા કરી રહ્યા છે.