December 17, 2024

જો TDP સ્પીકર ઉમેદવારને મેદાનમાં ઉતારે તો INDIA ગઠબંધન સમર્થન આપવા તૈયારઃ સંજય રાઉત

Lok Sabha Speaker election: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે જો સત્તાધારી ગઠબંધન તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) લોકસભા સ્પીકર પદ માટે ઉમેદવાર ઊભો કરે, તો વિપક્ષી ગઠબંધન ‘INDIA’ના તમામ સહયોગી પક્ષો તેમને સમર્થન આપવાના પ્રયાસો કરશે. પત્રકારો સાથે વાત કરતા રાઉતે દાવો કર્યો કે લોકસભા અધ્યક્ષની ચૂંટણી મહત્વની રહેશે અને જો ભાજપને આ પદ મળે છે, તો તે સરકારને સમર્થન આપતી પાર્ટીઓ TDP, જનતા દળ યુનાઇટેડ (JDU) અને ચિરાગ પાસવાન અને જયંત ચૌધરીના રાજકીય સંગઠનોને તોડી નાખશે.

તેમણે દાવો કર્યો કે, અમને અનુભવ છે કે ભાજપ એ લોકોને દગો આપે છે જે તેમને સમર્થન છે. વધુમાં રાઉતે કહ્યું કે, “મેં સાંભળ્યું છે કે ટીડીપી પોતાનો ઉમેદવાર ઉતારવા માંગે છે.જો એવું થાય તો INDIA ગઠબંધનના સહયોગી આ મુદ્દા પર ચર્ચા કરશે અને તમામ વિપક્ષી ગઠબંધન ભાગીદારો ટીડીપીને સમર્થન આપે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. રાજ્યસભાના સભ્યએ કહ્યું કે નિયમો અનુસાર વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળવું જોઈએ. તેમણે દાવો કર્યો કે એનડીએ સરકાર સ્થિર નથી. લોકસભા ચૂંટણી પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાક નેતાઓ દ્વારા ભાજપ વિશે આપેલા તાજેતરના નિવેદનો વિશે પૂછવામાં આવતા, રાઉતે કહ્યું કે જો RSS ભૂતકાળની ‘ભૂલો’ સુધારવા માંગે તો તે સારું છે.

વધુમાં તેમણે કહ્યું કે, અમે ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છીએ. રાઉતે દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને ભાજપ સંસદીય દળની બેઠકમાં નહીં. તેમણે કહ્યું, “ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈ ન હતી, જો બીજેપી સંસદીય દળની બેઠકમાં નેતૃત્વનો મુદ્દો આવ્યો હોત તો પરિણામ અલગ હોઈ શકે છે.