January 1, 2025

જાંબુ માટે પ્રખ્યાત છે વંથલી, સિઝનમાં 10 કરોડનો થાય છે વેપાર

સાગર ઠાકર, જૂનાગઢઃ જિલ્લાના વંથલી ફ્રૂટ યાર્ડમાં હાલ રાવણાં, જે કાળા જાંબુથી પણ ઓળખાય છે અને અંગ્રેજીમાં જાવાપ્લમ, બ્લેક પ્લમ જેવા નામથી ઓળખાય છે. આ ફળ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી હોય છે અને તેથી જ તેની બજારમાં જબરી માગ રહે છે. વર્ષમાં એક જ વાર આવતું આ ફળ ઉનાળો આવતાની સાથે જ બજારમાં આવે છે અને ચોમાસા સુધી ઉપલબ્ધ રહે છે. વંથલી ફ્રૂટ યાર્ડમાં હાલ દરરોજ રાવણાંના સરેરાશ 4થી 5 હજાર સૂંડલાની આવક છે એટલે કે અંદાજે 30થી 35 હજાર કિલો રાવણાંની આવક થાય છે. વંથલીમાં સિઝન દરમિયાન રાવણાંનો અંદાજે 10 કરોડ રૂપિયાનો વેપાર થાય છે.

રાવણાંનાં ઔષધિય ગુણોને લઈને તેની દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા શહેરોમાં ખૂબ જ માગ રહે છે. બહારના રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી કરવા વંથલી આવતા હોય છે, જેથી સ્થાનિક બાગાયતી ખેડૂતો અને વેપારીઓને પણ તેનો લાભ મળે છે અને તેમને ઉંચા ભાવ મળે છે. વંથલીના રાવણાં ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ હોય છે અને તેથી જ મોટા શહેરોમાં તેની જબરી માગ રહે છે. ઉનાળાની ઋતુ આવતાંની સાથે જ રાવણાં બજારમાં આવી જાય છે.

બહારથી કાળા રંગનું અને અંદરથી જાંબલી રંગનું આ ફળ ખૂબ જ ઔષધીય ગુણો ધરાવે છે. રાવણાં દેશી નામ છે. આ ફળ જાવાપ્લમ, બ્લેકપ્લમ અથવા કાળા જાંબુ તરીકે પણ ઓળખાય છે. જૂનાગઢમાં આ ફળ રાવણાંનાં નામથી ઓળખાય છે. હાલ ઉનાળામાં આ ફળની શરૂઆત થાય છે અને ચોમાસા સુધી બજારમાં જોવા મળે છે. રાવણાંની આમ તો કોઈ ખેતી થતી નથી, પરંતુ શેઢાં પાળે તેના વૃક્ષો હોય છે અને ઝૂમખામાં આ ફળ વૃક્ષ પર જોવા મળે છે.

જાવાપ્લમ એટલે કે રાવણાં પોષકતત્વોથી ભરપૂર છે અને ખાસ ડાયાબિટીસ જેવા દર્દ માટે ખૂબ જ ઉપયોગી અને ગુણકારી ફળ છે. રાવણાંનાં ફળ, તેની છાલ, પાન અને ઠળિયાં સહિત તમામ રીતે આ ફળ અનેક રોગોમાં રામબાણ ઈલાજ તરીકે ઉપયોગમાં લેવાય છે. રાવણાંને ખેતી તરીકે લેવામાં આવે તો પણ તે ખૂબ જ ફાયદાકારક ખેતી છે. શેઢાં પાળે તેના વૃક્ષોનો ઉછેર કરવામાં આવે તો ફળની સાથે પાકનું રક્ષણ થાય છે.

રાવણાંનાં એક વૃક્ષમાં વર્ષે એક ફાલ આવે છે અને એક વૃક્ષ અંદાજે 15થી 20 મણનો ઉતારો આપે છે અને એક વૃક્ષ અંદાજે 25 હજારથી વધુની કમાણી કરાવી આપે છે. રાવણાંની ખેતી ખૂબ જ ફાયદાકારક ખેતી છે. રાવણાંનું વૃક્ષ એક વખત ઉછેર થઈ ગયા પછી તેને ખાસ કોઈ માવજતની જરૂર રહેતી નથી અને જ્યારે ફળ આવે ત્યારે સારી એવી કમાણી કરાવી આપે છે. તેથી કોઈપણ જાતના ખર્ચ વગરની કમાણી કરાવી આપે છે. હાલ જૂનાગઢની બજારમાં રાવણાંની સારી એવી આવક જોવા મળી રહી છે અને તેની જબરી માગને લઈને સારૂં એવું વેચાણ પણ થઈ રહ્યું છે.