વંથલીની કેસર કેરીની માર્કેટમાં એન્ટ્રી, 800 રૂપિયા પ્રતિ બોક્સ ભાવ
સાગર ઠાકર, જૂનાગઢઃ જિલ્લાના વંથલી મેંગો માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. કેરીની સિઝન દરમિયાન વંથલીની કેસર કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે અને દરરોજ 4થી 5 હજાર બોક્સ કેરીની આવક થાય છે. ચાલુ વર્ષે વાતાવરણની અસરને કારણે વંથલીની કેસર કેરીની આવક 20થી 25 ટકા જેટલી જ છે. આમ ઉત્પાદન ઓછું છે પરંતુ હાલની બજારમાં બાગાયતી ખેડૂતોને પૂરતાં ભાવ મળી રહ્યા છે.
ફળોના રાજા ગણાતી કેસર કેરી તેના સ્વાદ માટે જગવિખ્યાત છે. તેમાં પણ જૂનાગઢની કેસર કેરી તેના સ્વાદ અને તેની સોડમથી લોકપ્રિય છે. જો કે, હવે તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પરંતુ જૂનાગઢ આસપાસની તાલાળા ગીર અને વંથલીની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. ઉનાળો શરૂ થતા બજારમાં કેસર કેરીનું આગમન થાય છે અને લગભગ ચોમાસા સુધી કેરી બજારમાં જોવા મળે છે. આ સમગ્ર કેરીની સિઝન દરમિયાન વંથલીની કેસર કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે. જ્યારે હવે વંથલીની કેરી બજારમાં આવી ગઈ છે, મતલબ કે કેરીની સિઝન પૂર્ણ થવામાં છે.
આ પણ વાંચોઃ ઇમ્પેક્ટ ફી મામલે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 6 મહિનાની મુદ્દત વધારી
વંથલીની કેરી બજારમાં આવી ગયા પછી સ્થાનિક ઉત્પાદનની કોઈ કેરી બજારમાં આવતી નથી અને ભીમ અગિયારસ બાદ કેરીની સિઝન પૂરી થઈ જાય છે. વંથલી મેંગો માર્કેટમાં 4થી 5 હજાર બોક્સથી કેસર કેરીની આવક શરૂ થઈ અને શરૂઆતમાં ઉંચા ભાવ બાદ હાલ 800 રૂપિયાથી લઈને 1000 રૂપિયા પ્રતિ બોક્સ સુધીના ભાવ રહે છે.
આ પણ વાંચોઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી
વંથલીની કેરી સ્વાદમાં મીઠી હોય છે અને વ્યાજબી ભાવની હોય છે તેથી તેની માગ રહે છે. પરંતુ ચાલુ વર્ષે વાતાવરણની અસરને કારણે ઉત્પાદન પર અસર પડી છે. જો કે આમ પણ ચાલુ વર્ષે સાર્વત્રિક કેરીનું ઓછું ઉત્પાદન છે પણ હવે કેરી વિદાય લેવાની તૈયારીમાં છે અને ઓછા ભાવની છે એટલે ઘરાકી રહે છે અને બાગાયતી ખેડૂતોને વંથલી માર્કેટમાં પુરતાં ભાવ મળી રહે છે.