જો બાઇડનનો દીકરો ગેરકાયદેસર હથિયાર મામલે દોષિત, રાષ્ટ્રપતિ બોલ્યા – ન્યાયિક પ્રકિયાનું સન્માન કરીશ
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને મંગળવારે કહ્યું કે, તેમના પુત્ર હન્ટરને ગેરકાયદેસર શસ્ત્રો ખરીદવામાં દોષી ઠેરવ્યા બાદ તેઓ ન્યાયિક પ્રક્રિયાનું સન્માન કરશે. ઉલ્લેખનીય છે કે, બાઇડનનો પુત્ર હન્ટર પણ અગાઉ ડ્રગ એડિક્ટ હતો.
રાષ્ટ્રપતિ હોવા ઉપરાંત હું એક પિતા પણ છુંઃ બાઇડન
એક નિવેદન આપતા બાઇડને કહ્યુ હતુ કે, ‘હું રાષ્ટ્રપતિ સાથે એક પિતા પણ છું. ઘણાં પરિવારોમાં માદક દ્રવ્યોના વ્યસન સાથે સંઘર્ષ કરતા પરિવારજનો હોય છે. તે લોકો માદક દ્રવ્યોના વ્યસનમાંથી બહાર આવવા અને પછી મજબૂત રીતે સ્વસ્થ થવું શું છે, તેની લાગણીને સમજી શકે છે.’ તેમણે વધુમાં કહ્યું કે, આ કેસમાં પરિણામ જે પણ આવે, હું ન્યાયિક પ્રક્રિયાનું સંપૂર્ણ સન્માન કરીશ.
હન્ટર બાઇડનને બે કેસમાં દોષિત ઠેરવ્યા છે
ડ્રગ્સનું સેવન કરતી વખતે બંદૂક રાખવા સંબંધિત ત્રણ કેસમાં હન્ટર બાઇડન વિરુદ્ધ સુનાવણી ચાલી રહી હતી. હન્ટરે જ્યુરીની સામે તેની નિર્દોષતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાના વિલ્મિંગ્ટન, ડેલાવેરની ફેડરલ કોર્ટે તેને બે કેસમાં દોષિત જાહેર કર્યો છે. ફેડરલ કોર્ટની 12 સભ્યોની જ્યુરીએ સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો હતો. અમેરિકામાં આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિના પુત્રને ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો છે. ખાસ કરીને, અમેરિકામાં ચૂંટણી પહેલાં હન્ટર બાઇડનને દોષિત ઠેરવવાથી તેના પિતા જો બાઇડનની મુશ્કેલીઓ વધી શકે છે.
હન્ટર બાઇડન સામે કયા આક્ષેપો કરવામાં આવ્યા હતા?
હન્ટર બાઇડનને બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. પ્રથમ કિસ્સામાં તેના પર એક ફોર્મમાં ખોટી માહિતી આપીને કોલ્ટ કોબ્રા રિવોલ્વર ખરીદવાનો આરોપ હતો. બીજો આરોપ એ હતો કે, જ્યારે તે નશાકારક દ્રવ્યનું સેવન કરી રહ્યો હતો, ત્યારે હન્ટર પાસે બંદૂક હતી. હકીકતમાં અમેરિકામાં કોઈપણ બંદૂક ખરીદતી વખતે ખરીદનારને એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું તે ડ્રગ એડિક્ટ છે? આરોપ છે કે, હન્ટરે આ પ્રશ્નનો ખોટો જવાબ આપ્યો હતો.