MLA Imran Khedawalaને જાનથી મારી નાંખવાની ધમકી, પાડોશીએ બબાલ કરતા વિવાદ
મિહિર સોની, અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં મકાનના રિનોવેશન બાબતે પાડોશીઓ વચ્ચે વિવાદ થયો હતો. પાડોશીએ ધારાસભ્ય ઇમરાન ખેડવાલા અને તેના પરિવારને ધમકી આપતા મામલો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ કરી તો સવાર સુધીમાં એક વિકેટ પાડી દઈશ, તેવી ધમકી ધારાસભ્ય અને તેના પરિવારને આપનારા પાડોશી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનાની વાત કરીએ તો ગત રાત્રીના સમયે MLA ઇમરાન ખેડવાલાની ભત્રીજી નસીમ ખેડવાલા ઘરે હતી. ત્યારે પડોશમાં રહેતા ઈરફાન ઉર્ફે સ્ટીલ ગોરી નામનો વ્યક્તિ તેમના ઘરે આવીને મકાન બનાવવા બાબતે બોલાચાલી કરી હતી. તેમજ ઘર બહાર રહેલા કાકી સમીમને અશ્લીલ ગાળો આપીને કહેવા લાગ્યો હતો કે, મકાન બનાવવું હોય તો મારી માતા સાથે વાત કરો. હું તમને મકાન નહીં બનાવવા દઉં. હું તમને જોઈ લઈશ. તેમ કહી ઉગ્ર બોલાચાલી કરીને ધમકી આપી હતી.. એટલું જ નહીં તમે પોલીસ ફરિયાદ કરી તો એકની વિકેટ પાડી દેવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે, આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તેના આધારે ગાયકવાડ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે મોજમસ્તી કરવા થાઈ ગર્લ બોલાવી, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
મકાન બનાવવાના ઝઘડામાં આરોપી ઈરફાન ઉર્ફ સ્ટીલ ગોરીએ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ વિવાદ અને ધમકીનો મામલો ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે આરોપી ઈરફાન વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ ફરિયાદની જાણ આરોપીને થતા તે ફરાર થઈ ગયો છે. આ મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પણ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ કમિશ્નરને પત્ર લખીને આરોપીની ધરપકડની માગ કરી છે. નોંધનીય છે કે, આ આરોપી દ્વારા બે વખત ધમકી આપી હોવાના આક્ષેપ ઇમરાન ખેડવાલાએ કર્યો છે.
આ પણ વાંચોઃ કચ્છના દરિયાકિનારેથી ફરી મળ્યું કરોડોનું ડ્રગ્સ, 10 પેકેટ ચરસ જપ્ત
ગાયકવાડ હવેલી પોલીસે ધારાસભ્ય અને તેના પરિવારને ધમકી આપવાના કેસમાં IPCની કલમ 506 બી અને 294 કલમ હેઠળ ગુનો નોંધીને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.