December 24, 2024

ન એગ્રેશન, ન હુંકાર… રોમાંચક જીત પછી પણ શાંત દેખાઈ ટિમ INDIA, સાદગીથી મનાવ્યો જશ્ન

અમદાવાદઃ T20 વર્લ્ડ કપ 2024માં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. પ્રથમ મેચમાં આયર્લેન્ડને હરાવનાર ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે રોમાંચક મેચ જીતી હતી. 119 રન બનાવ્યા બાદ ભારતીય બોલરોએ પાકિસ્તાનને 113 રન પર પછાડ્યું હતું. જસપ્રિત બુમરાહના નેતૃત્વમાં ભારતીય બોલરોએ જબરદસ્ત બોલિંગ કરી હતી. તેનું પરિણામ એ આવ્યું કે, પાકિસ્તાન 120 રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શક્યું નહીં.

ભારતે છેલ્લી ઓવરમાં પાકિસ્તાન સામે જીત મેળવી હતી. ત્યારપછી પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઉજવણીમાં કોઈ આક્રમકતા જોવા મળી ન હતી. ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની આ માત્ર બીજી મેચ છે. હવે બે ગ્રુપ મેચ બાદ સુપર-8 મેચ યોજાવવાની છે. ભારતીય ટીમ એ પણ જાણે છે કે, અત્યારે જીતની જોરદાર ઉજવણી કરવાનો કોઈ અર્થ નથી.

પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના સેલિબ્રેશનમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. ભારતીય ખેલાડીઓની ખુશીથી સ્પષ્ટ હતું કે, તેઓ પહેલેથી જ જાણતા હતા કે તેઓ પાકિસ્તાનને હરાવી દેશે. પાકિસ્તાનની ટીમ મેચ દરમિયાન સારી રીતે ફોકસ કરતી જોવા મળી હતી. તે છતાં અંતે ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. 119 રન બનાવ્યા બાદ પણ બોલરોએ પાકિસ્તાનને જીતથી દૂર રાખ્યું હતું.

ભારતીય ટીમે શાંતિપૂર્ણ રીતે વિજયની ઉજવણી કરી હોવા છતાં ચાહકો પાછળ રહ્યા ન હતા. સ્ટેડિયમની સાથે સાથે અમેરિકામાં અલગ-અલગ સ્થળોએ ભારતીય ચાહકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. અમેરિકામાં ઘણી જગ્યાએ મેચનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું હતું. ભારત અને પાકિસ્તાન બંનેના ચાહકો હતા.