December 19, 2024

લોકસભા ચૂંટણી પરિણામ બાદ Mayawati સાઇડલાઇન, શું ચંદ્રશેખર દલિત રાજનીતિનો નવો ચહેરો બનશે?

લખનઉ: આ લોકસભા ચૂંટણી બાદ બસપા અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાં પહોંચી ગયું છે. તેના વોટ બીજી પાર્ટીઓમાં શિફ્ટ થવાની ચર્ચા છે. આ સાથે જ વધુ એક નામની ચર્ચા સામે આવી ગઇ છે. તે નામ આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદનું છે. જેનું કારણ છે કે રાષ્ટ્રીય પાર્ટી બસપાને જ્યાં એક પણ સીટ મળી નથી, ત્યાં જ દલિતોની જ રાજનીતિ કરનારા ચંદ્રશેખર નગીના બેઠક પરથી મોટા અંતરે ચૂંટણી જીતી ગયા છે. હવે ચર્ચા છે કે, શું ચંદ્રશેખર આઝાદ યુપીની દલિત રાજનીતિનો નવો ચહેરો બનીને ઉભરી રહ્યા છે?

કોણ છે ચંદ્રશેખર?
ચંદ્રશેખર સહારનપુરના ધડકૌલી ગામના રહેવાસી છે. તેમણે કાયદાનો અભ્યાસ કર્યો છે. દલિત યુવાઓ અને બાળકોની મદદ કરવા માટે 2014માં ભીમ આર્મી નામથી સંગઠન બનાવ્યુ હતુ. તેના દ્વારા તેઓ નિ:શુલ્ક શાળા ચલાવવાની સાથે જ યુવાનોને કાયદાકીય મદદ કરવાનું કામ કરે છે. તેઓ પ્રથમવાર ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે સહારનપુર હિંસા દરમિયાન પોતાના ગામમાં એક વિવાદાસ્તદ બોર્ડ લગાવી દીધુ હતું. જેના પછી તેમના વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ થઇ હતી.

આ પણ વાંચો: રાજકોટમાં યુવતીનો આતંક, અકસ્માત સર્જ્યા બાદ પોતાની જ એક્ટિવા સળગાવી દીધી

સીએએ અને એનઆરસી મામલે તેમણે જામા મસ્જિદથી જંતર-મંતર સુધી ધરણા કરવાનીજાહેરાત કરી હતી. ત્યારે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. જેના પછી તેમણે આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) બનાવી અને ગત વિધાનસભા ચૂંટણીમાં ઘણા ઉમેદવારો ઉતાર્યા હતા. તેઓ પોતે ગોરખપુરથી સીએમ યોગી વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા હતા. તે ચૂંટણીમાં તેમને 7640 વોટ મળ્યા હતા.

આગામી વિધાનસભા ચૂંટણી ટાર્ગેટ
આ લોકસભા ચૂંટણીમાં નગીના સીટથી મોટા અંતરે જીત હાંસલ કરી તેઓ ફરીથી ચર્ચામાં આવી ગયા છે. તેમણે અહીંયા ભાજપના ઉમેદવારને 1,51,473 વોટના અંતરથી હરાવ્યા છે. આઝાદ સમાજ પાર્ટીએ પોતાના એક ઉમેદવાર અમરજીત સિંહને ડુમરિયાગંજથી ઉતાર્યા હતા. તેમને પણ 81,305 વોટ મળ્યા હતા. આજ બંન્ને સીટો છે, જ્યાં બસપા ચોથા નંબર પર રહી છે. પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ સૌરભ કિશોરનું કહેવું છે કે, તેમની પાર્ટીનું આખા દેશમાં સંગઠન છે. પ્રદેશ કાર્યકારિણીની સાથે જ દરેક જિલ્લા અને વિધાનસભામાં કાર્યકારિણીનું ગઠન થઇ ગયું છે. અમારૂં આગામી લક્ષ્ય 2027ની વિધાનસભા ચૂંટણી છે.

કેવા વિકલ્પ બની રહ્યા છે?
બસપા 12 વર્ષથી સત્તાથી બહાર છે અને તેનું પ્રદર્શન સતત નીચે આવી રહ્યું છે. આવામાં ચંદ્રશેખરના આ પ્રદર્શન અને પાર્ટી વિસ્તારની યોજનાના કારણે સવાલ ઉદ્ભવી રહ્યો છે કે શું દલિત યુવાઓને નવો ચેહરો મળી ગયો છે? ચંદ્રશેખર પણ બસપાની માફક કાંશીરામને પોતાના આદર્શ માને છે. તેમની આક્રામક શૈલી યુવાઓને પસંદ આવી રહી છે. જેની ચિંતા બસપાને પણ સતાવી રહી છે.