Ahmedabadની 700 શાળાના આચાર્યોને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ રાજકોટમાં બનેલી આગની ઘટના બાદ હવે આવી ઘટનાઓને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા આકરા પગલા લેવામાં આવી રહ્યા છે. બિલ્ડિંગ્સને સિલિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને જ્યાં ફાયર સેફ્ટી છે, ત્યાં આગ લાગે ત્યારે શું કરવું જોઇએ તેની જાણકારી હોતી નથી. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 700થી વધુ આચાર્યોને ફાયર વિભાગ દ્વારા ટ્રેનિંગ આપાવમાં આવી હતી.
અમદાવાદની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના આચાર્યોને ફાયર સેફટી અને આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય તેની ટ્રેનિંગ આપવામા આવી હતી. જેમાં પગલે 700 જેટલી શાળાના આચાર્યો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ ટ્રેનિંગમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસના અધિકારીઓ અમદાવાદની શાળાઓના આચાર્યોને ફાયર સેફ્ટી બાબતે તાલીમ આપી હતી.
આ સમગ્ર મામલે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરનાં આચાર્યોને આગ બુઝાવવાના તમામ સાધનોની જાણકારી આપવામાં આવી છે. તે માટે તેઓને થિયરી અને પ્રૅક્ટિકલ રીતે સમજાવવામાં આવ્યા છે. જો શાળામાં આગ લાગે તો ફાયર બ્રિગેડને આવતા પહેલા શાળામાં લાગેલા ફાયરના સાધનોથી કેવી રીતે આગ બુઝાવી શકાય કે પછી શરૂઆતના પિરિયડમાં કેવી રીતે આગ પર કંટ્રોલ મેળવી શકાય તેની પ્રૅક્ટિકલ અને થિયરોટિકલ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આચાર્યોને ટ્રેનિંગ આપવા માટે ઉપસ્થિત રહેલા ફાયર બ્રિગેડના અધિકારી સ્વસ્તિક જાડેજાએ જણાવ્યું હતુ કે, રાજકોટની ઘટના બાદ શાળાઓમાં પણ આ પ્રકારે તાલીમ આપવી જરૂરી છે. આ મામલે અમે પણ શાળાઓ, કોલેજો, મોલ્સ તમામ જગ્યાએ ફાયરની ટ્રેનિંગ આપી રહ્યા છીએ. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ લીધેલા ઈનિસિએટિવને ધ્યાને લઈને અન્ય હાઇરાઇઝ બિલ્ડિંગ કે સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓએ પણ આ રીતે ટ્રેનિંગ લેવી જોઈએ.
રાજકોટની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 539 શાળાઓમાં ફાયરને લઇને ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું. તેમાંથી 36 શાળાઓ એવી છે જે શાળાઓ પાસે ફાયર એનઓસી અને ફાયર સેફ્ટી નથી, ત્યારે આવી શાળાઓને નોટિસ આપીને ખુલાસો માંગવામા આવ્યો છે અને લેખિતમાં બાંહેધરી માગવામાં આવી રહી છે.