December 17, 2024

Loksabha Election Result 2024: કોંગ્રેસે 10 વર્ષે Gujaratમાં ખાતું ખોલાવ્યું, Banaskanthaથી ગેનીબેન જીત્યાં

અમદાવાદઃ બનાસકાંઠા લોકસભા બેઠક પર અંતિમ રાઉન્ડ સુધી રસાકસીભર્યો માહોલ જામ્યો હતો. અંતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થઈ છે. બહુ ઓછા માર્જિન સાથે પણ કોંગ્રેસે 10 વર્ષ પછી ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પરથી ફરી ખાતું ખોલાવ્યું છે. ગેનીબેન ઠાકોરને અહીંથી 5,89,395 મત મળ્યા છે. મહત્વનું છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ગેનીબેન માટે પ્રચાર કર્યો હતો.

7 વિધાનસભામાંથી 2 બેઠક કોંગ્રેસ પાસે
બનાસકાંઠા લોકસભા સીટમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા, દિયોદર એમ કુલ 7 બેઠક આવે છે, જેમાંથી થરાદ, પાલનપુર, ડીસા અને દિયોદર ભાજપ પાસે છે. જ્યારે વાવ તેમજ દાંતા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે. ધાનેરા બેઠક પરથી ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી દેસાઇ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે ભાજપને ટેકો જાહેર કરેલો છે.

શરૂઆતમાં કોંગ્રેસનો દબદબો, છેલ્લી 3 ટર્મથી ભાજપની જીત
બનાસકાંઠા લોકસભા બેઠક પર વર્ષ 1951માં પહેલી ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર અકબરભાઇ ચાવડા સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ગોરધનદાસ મહેતા સામે 55,711 મતની લીડથી વિજેતા થયા હતા. ત્યાર બાદ 1957 અને 1962માં પણ કોંગ્રેસના ઉમેદવાર અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2009થી આ બેઠક પર સતત ભાજપની જીત થઇ રહી છે. ભાજપે 2009 અને 2014માં જીતેલા હરિભાઇ ચૌધરીની ટિકિટ કાપીને 2019માં પરબત પટેલને ટિકિટ આપી હતી. પરબત પટેલે આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને 3,68,296 મતની લીડથી હરાવીને જીત મેળવી હતી.

ઠાકોર-ચૌધરી મતદારોનું પ્રભુત્વ
આ બેઠક પર સૌથી વધુ ઠાકોર મતદારો છે, જેની સંખ્યા અંદાજે 3.43 લાખ છે, જ્યારે ચૌધરી મતદારોની સંખ્યા અંદાજે 2.71 લાખ, આદિવાસી મતદારોની સંખ્યા અંદાજે 1.72 લાખ છે. દલિત મતદારો અંદાજે 1.60 લાખ, રબારી મતદારો અંદાજે 1.58 લાખ, ક્ષત્રિય મતદારો અંદાજે 1.38 લાખ, મુસ્લિમ મતદારો અંદાજે 96 હજાર, બ્રાહ્મણ મતદારો અંદાજે 95 હજાર, પ્રજાપતિ મતદારો અંદાજે 69 હજાર, માળી મતદારો અંદાજે 48 હજાર, પાટીદાર મતદારો અંદાજે 39 હજાર તેમજ અન્ય જ્ઞાતિના અંદાજે 3.69 લાખ મતદારો છે.

2014 કરતાં 2019માં 6 ટકા વધુ મતદાન
બનાસકાંઠા બેઠક પર છેલ્લી 3 ચૂંટણીમાં સૌથી વધુ મતદાન 2019માં થયું હતું. 2019માં 65 ટકા મતદાન થયું હતું, જે 2014માં થયેલા સરેરાશ 59 ટકા મતદાન કરતાં 6 ટકા વધુ હતું, જ્યારે 2009માં 50 ટકા મતદાન થયું હતું. 2019માં 69 ટકા પુરુષોએ મતદાન કર્યું હતું, જ્યારે 60 ટકા મહિલાઓએ મતદાન કર્યું હતું. આમ, મહિલાઓ કરતાં પુરુષોનું મતદાન 9 ટકા વધુ હતું.