December 18, 2024

Election Result 2024: મતગણતરી અગાઉ અને મતગણતરી બાદ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે?

Lok Sabha Election 2024: ભારતમાં થતી વિવિધ ચૂંટણી પ્રક્રિયાનો અંતિમ પડાવ એટલે મતગણતરી. આજે તા. 4 જૂનના રોજ ભારતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે મતગણતરી યોજાશે. ચૂંટણીના વિવિધ પડાવો બાદ અને અલગ-અલગ તબક્કામાં થતા મતદાન બાદ સૌની આતુરતાનો અંત લાવતો દિવસ એટલે મતગણતરીનો દિવસ. ખોટી, અનિયમિત અથવા બેદરકારી ભરેલી મતગણતરીના કારણે આખી ચૂંટણી પ્રક્રિયા રદ પણ કરવામાં આવી શકે છે. મતગણતરી એ ચૂંટણીના દરેક તબક્કાઓમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે. મતગણતરીના દિવસે અમુક ચોક્કસ પ્રકારના નિયમો મુજબ કામગીરી કરવામાં આવે છે. તો ચાલો વિગતે જાણીએ મતગણતરી પ્રક્રિયા અને તેના માટે કરવામાં આવતી તૈયારીઓ વિશે. અમદાવાદની બે લોકસભા બેઠકો અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ માટે તારીખ 4 જૂનના રોજ અનુક્રમે એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે મત ગણતરી યોજાનાર છે.

મતગણતરી પહેલાની તૈયારીઓ
ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી પહેલા ખાસ તૈયારીઓ કરવામાં આવે છે. મતગણતરીના ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા મતગણતરીના દિવસની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જેમાં મતગણતરી કરનાર સ્ટાફની તાલીમ, કાઉન્ટિંગ હોલની તૈયારીઓ તથા ઉમેદવારોને કાઉન્ટિંગ હોલમાં કાઉન્ટિંગ ટેબલની ગોઠવણ અંગે લેખિત જાણકારી આપવા સહિત મતગણતરી માટે જરૂરી સાધન સામગ્રી અને પૂરતી વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014-2019માં ભાજપ-કોંગ્રેસને કેટલા મત મળ્યા હતા?

મતગણતરી કરવામાં આવે તે હોલમાં ચૂંટણીના સ્ટાફ સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. કાઉન્ટિંગ સ્થળ ઉપર પણ મતગણતરી માટે ફરજ ઉપર મૂકવામાં આવેલ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ અને આવશ્યક સેવાઓના કાર્ડ ધરાવતા નાગરિકો જ હાજર રહી શકે છે.

જેમ મતદાનના દિવસ માટે પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂંક કરવામાં આવે છે તેમ મતગણતરીના દિવસ માટે કાઉન્ટિંગ ઓફિસર, આસિસ્ટન્ટ કાઉન્ટિંગ ઓફિસર અને સીયુ અને વીવીપેટને સ્ટ્રોંગ રૂમમાંથી લાવવા લઇ જવા માટે પણ ચોક્કસ કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવે છે. તેઓને યોગ્ય તાલીમ પણ આપવામાં આવે છે. એક માઇક્રો ઓબ્ઝર્વર ગણતરી જોવા માટે અને એક ડેટા એન્ટ્રીની ચકાસણી માટે નિમવામાં આવે છે. યોગ્ય તાલીમના કારણે સૌ કોઇ પોતાને સોંપવામાં આવેલ કામગીરી અંગે પહેલાથી જ માહિતગાર હોય છે અને આ રીતે સરળતાથી પોતાનું કામ પૂરું કરી શકે છે.

મતગણતરીની તાલીમ દરમિયાન કાઉન્ટિંગ હોલના લેઆઉટ અને મતોની ગણતરી માટેના ટેબલની સ્પષ્ટ સમજ મતગણતરી માટે નિમણૂક પામેલ દરેકને આપવામાં આવે છે. મતગણતરીની પ્રક્રિયામાં સામાન્ય રીતે 7થી 8 કલાક જેટલો સમય લાગી શકે છે. આ કારણસર મતદાનની પ્રક્રિયાની જેમ અહિં પણ સ્ટાફનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. મતગણતરીના સ્ટાફનું ત્રણ વખત રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. પહેલું રેન્ડમાઇઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઇઝેશન મતગણતરીના ૨૪ કલાક પહેલા અને ત્રીજું રેન્ડમાઇઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે ઑબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવે છે.

મતગણતરીના દિવસની કામગીરી
મતગણતરીના દિવસે સવારે 8 વાગ્યાથી ગણતરી શરૂ કરી દેવામાં આવે છે. જેના માટે વહેલી સવારથી જ ચૂંટણી સ્ટાફ કેમ્પસમા પ્રવેશ મેળવવાનું શરૂ કરી દે છે. ચૂંટણી સ્ટાફને સૌ પ્રથમ ત્રિ-સ્તરીય ચકાસણીમાંથી પસાર થવાનું હોય છે. ત્રિ-સ્તરીય ચકાસણીના પહેલા સ્તરમાં મતગણતરી પરિસરની 100 મીટરની અંદર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય છે. કેમ્પસમાં એન્ટ્રી ગેટ બનાવવામાં આવે છે. એન્ટ્રી ગેટ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા ઉમેદવાર, ગણતરી એજન્ટો, સ્ટાફ, મીડિયાકર્મીઓના પ્રવેશ પહેલા જરૂરી અને સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે છે. બીજા સ્તરમાં રાજ્યના પોલીસ કર્મચારીઓ હોય છે. જેઓ દ્વારા પ્રવેશ મેળવતા સ્ટાફના આઇકાર્ડ સહિત પ્રતિબંધિત વસ્તુઓની પણ ખાસ ચકાસણી કરવામાં આવે છે. ત્રીજા સ્તરમાં આર્મ્ડ પોલીસ કાઉન્ટિંગ હોલના દરવાજા પાસે હોય છે. જે આવશ્યક સેવાકર્મીઓ સિવાય કોઇને કાઉન્ટિંગ ટેબલ પાસે પ્રવેશ મેળવવા દેતા નથી.

મતગણતરીની શરૂઆતમાં મતગણરી પરિસરમાં પ્રવેશ બાદ કાઉન્ટિંગ હોલમાં ચૂંટણી સ્ટાફ પોતાને આપેલ ટેબલ ખાતે પહોંચી જાય છે. ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવે છે. ત્યાર બાદ EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી, કાઉન્ટિંગ હૉલમાં લાવવામાં આવે છે, અને સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ તથા EVMના મતોની ગણતરીનો પ્રારંભ કરવામાં આવે છે.

પોસ્ટલ બેલેટ અને ઇટીપીબી (Electronically Transmitted Postal Ballot System)ની ગણતરીથી મતગણતરી શરૂ કરવામાં આવે છે. તેના માટે આર.ઓ.ના ટેબલ ઉપર ગણતરી કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પોસ્ટલ બેલેટ બાદ 30 મીનીટ પછી રાઉન્ડ પ્રમાણે મશીનોના મતની ગણતરીનો પ્રારંભ કરવામાં આવે છે.

કંટ્રોલ યુનિટમાં જરૂરી સીલને દૂર કરી પરિણામ વિભાગના એડ્રેસ ટેગને દૂર કરવામાં આવે છે, અને “પરિણામ” બટન દબાવતા જ નોટા સહિત દરેક ઉમેદવાર માટે નોંધાયેલા મતોની કુલ સંખ્યા મતદાન મથક સીયુની ડિસ્પ્લે પેનલમાં આપમેળે પ્રદર્શિત થાય છે. જેની કાઉન્ટિંગ સ્ટાફ દ્વારા ખૂબ જ ધ્યાનપૂર્વક નોંધણી કરવામાં આવે છે.

મતગણરી દરમિયાન ઓબ્ઝર્વર/નિરીક્ષકો અને માઇક્રો ઓબ્ઝર્વર/સૂક્ષ્મ નિરીક્ષકોને પણ વિશેષ કામગીરી સોંપવામાં આવી હોય છે. મતગણરી દરમિયાન સૂક્ષ્મ નિરીક્ષકો તેમને સોંપવામાં આવેલા ટેબલ પર દરેક રાઉન્ડમાં ગણતરી કરવામાં આવતા CU દ્વારા દર્શાવવામાં આવેલા મતોની વિગતો નોંધે છે. સૂક્ષ્મ નિરીક્ષકો પ્રી-પ્રિન્ટેડ સ્ટેટમેન્ટ ઉપર CU નંબર, રાઉન્ડ નંબર, ટેબલ નંબર, પોલિંગ સ્ટેશન નંબર, અને ત્યારબાદ NOTA સહિત તમામ સ્પર્ધક ઉમેદવારોના નામો, બેલેટ પેપર વગેરેની માહિતી નોંધે છે. કમ્પ્યૂટરમાં ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીના ડેટા કલેક્ટ કરવા માટે વિકસાવવામાં આવેલ ENCORE પ્રોગ્રામમાં કાઉન્ટિંગ ડેટા ટ્રાન્સમીટ એન્ટ્રી થયા બાદ પ્રિન્ટ આઉટ લઇ સૂક્ષ્મ નિરીક્ષકોના નિવેદનના અંતે તેમની સહીઓ માટે મૂકવામાં આવશે, અને દરેક રાઉન્ડ પૂર્ણ થયા પછી નિરીક્ષકને નિવેદન સોંપવામાં આવશે. મતગણતરીની ચોક્કસતાના માપદંડ તરીકે ઓબ્ઝર્વર વધારાના મતગણતરી સ્ટાફની મદદથી દરેક રાઉન્ડમાં ગણતરી કરેલ બે સીયુને રેન્ડમલી પસંદ કરી ક્રોસ ચેકીંગ કરે છે.

તમામ સીયુ(CU – કંટ્રોલ યુનિટ)ના મતોની ગણતરી પૂર્ણ થયા બાદ જ VVPATની સ્લીપ્સની ગણતરી શરૂ કરવામાં આવે છે. મતગણતરી પૂર્ણ થયા બાદ અંતિમ પત્રક તૈયાર કરવામાં આવે છે. જેમાં દરેક ઉમેદવાર દ્વારા મળેલા કુલ મતોની ઘોષણા કરવામાં આવે છે. આ થઇ મતગણતરીની પ્રક્રિયાની કવાયત.

રાઉન્ડ પ્રમાણેના ડેટા પ્રદર્શિત કરી દેવામાં આવે છે. મતગણતરીના દિવસે https://results.eci.gov.in/ પર ચૂંટણીના પરિણામો જાણી શકાય છે.

વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કમ્પ્યૂટરમાં ENCORE દ્વારા કાઉન્ટિંગ ડેટા ટ્રાન્સમીટ કરવાની સાથે, ચૂંટણી પંચને જરૂરી દસ્તાવેજો ઓનલાઇન મોકલી આપવામાં આવે છે, અને ચૂંટણી પંચ દ્વારા દસ્તાવેજોની ચકાસણી બાદ ઉમેદવાર જાહેર કરવાની પરવાનગી આપે છે.

પરિણામ જાહેર થયા પછીની પ્રક્રિયા
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પરિણામની જાહેરાત પછી, તમામ નિયંત્રણ એકમો, પાવર-પેકને દૂર કર્યા પછી તેમના સંબંધિત વહન કેસોમાં રાખવામાં આવે છે, અને સરનામાં ટેગ સાથે સીલ કરવામાં આવે છે. VVPAT સ્લીપને જાડા કાળા પરબિડિયાઓમાં સ્થાનાંતરિત કરી, CU/VVPATની સીલિંગ, ચૂંટણીના કાગળો, સીસીટીવી ફુટેજ વગેરે જરૂરી તમામ દસ્તાવેજો સહી સલામત સ્ટ્રોંગ રૂમમાં જમા કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પરિણામનું સંકલન કરવા વિવિધ ફોર્મ્સને ભરવામાં આવે છે. પછી જ મતગણતરી કર્મચારીઓને આર.ઓ.ની પરવાનગી સાથે મતગણતરી હોલ છોડવા દેવામાં આવે છે.

આ તમામ પ્રક્રિયામાં પણ ઉમેદવાર અથવા તેમના એજન્ટો સિલિંગ પ્રક્રિયામાં હાજર રહેશે. તમામ પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરી, જિલ્લા ચૂંટણી અધિકારીના કબજામાં તમામ સામગ્રી સીલ બંધ કરી, સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. પરિણામ જાહેર થતા ઉમેદવારને ચૂંટણીના વળતરનું પ્રમાણપત્ર સોંપી હારેલા ઉમેદવારોની ડિપોઝિટ નિયમોનુસાર જપ્ત કરવામાં આવે છે.

આમ, દરેક જિલ્લા ચૂંટણી તંત્રના ડેટા રાજ્ય ચૂંટણી તંત્ર એકત્રિત કરે છે, અને તમામ રાજ્યના ડેટા ભારત ચૂંટણી તંત્ર દ્વારા એકઠા કરી અંતે પરિણામની જાહેરાત કરતા આચારસંહિતા પૂર્ણ થાય છે. આટલી પ્રક્રિયા અનુસરતા ચૂંટણી પૂર્ણ થઇ કહેવાય.

મતગણતરીને સંલગ્ન અન્ય બાબતો:-
ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના સંદર્ભમાં ENCORE પોર્ટલ દ્વારા કાઉન્ટિંગ ડેટા ટ્રાન્સમિટ કરવા માટે સત્તાવાર ઉપયોગ માટે જરૂરી કમ્પ્યૂટર/લેપટોપ અથવા મોબાઇલ ઉપકરણોને મંજૂરી આપવામાં આવે છે. દરેક રાઉન્ડના પરિણામોની એક નકલ તે રાઉન્ડ પૂર્ણ થયા પછી તમામ ઉમેદવારો/એજન્ટો સાથે શેર કરવાની સાથે સાથે ENCORE પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવે છે.

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM, VVPAT અને ચૂંટણીલક્ષી સામગ્રીનું વ્યવસ્થાપન:-
ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા તમામ EVM, VVPAT અને ચૂંટણીલક્ષી સામગ્રી, વિવિધ ફોર્મ, રજિસ્ટર ધરાવતા પેકેટો, ચૂંટણી પેપર ધરાવતા અન્ય તમામ પેકેટોને સ્ટ્રોંગ રૂમમાં સ્ટીલના થડ ધરાવતી જિલ્લા તિજોરી અથવા પેટા તિજોરીમાં ડબલ લોક હેઠળ મૂકવામાં આવે છે. જેની સલામત કસ્ટડી જિલ્લા ચૂંટણી અધિકારીને સોંપવામાં આવે છે. ટ્રેઝરીમાંથી ચૂંટણીના રેકોર્ડની હિલચાલ અથવા નિકાલ વિશે તારીખ મુજબની લોગબૂક જાળવવામાં આવે છે.

ચૂંટણી દરમિયાન જાહેરાતો, વિવિધ પ્રકારના ફોર્મ ભરવા, ડિપોઝીટ જપ્ત કરવી/પરત કરવી, વિવિધ ટીમોને ચૂંટણી ફરજ પરથી છૂટા કરવા, ચૂંટણી સાથે સંલગ્ન ડેટાને પ્રસારીત કરવા, ચૂંટણી ખર્ચનો હિસાબ, સીસીટીવી ફુટેજનું સ્ટોરેજ, વિવિધ પેપરના નિકાલ, ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને વળતર વગેરે જેવી કામગીરી ચૂંટણી પૂરી થયા પછી સમયાંતરે નિભાવવામાં આવે છે.

ચૂંટણી સાથે સંકળાયેલા તમામ અધિકારી, કર્મચારીઓ માટે ચૂંટણીના દરેક તબકકા સાથે બીજી અનેક બાબતો સંકળાયેલી હોય છે અને આ દરેક બાબતોનું પોતાનું આગવું મહત્વ હોય છે. ચૂંટણીને સફળતાપૂર્વક પૂરી કરવા સુધી દેશમાં તહેવાર જેવો માહોલ જોવા મળે છે. આટલી જટીલ પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં સહિયારો પ્રયાસ જ કામ કરતો હોય છે.