December 22, 2024

મોરિયા કોલેજના 150 વિદ્યાર્થીઓ હડતાલ પર, મેનેજમેન્ટ પર માર મારવાનો આક્ષેપ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ પાલનપુર મોરિયા મેડિકલ કોલેજના 150થી વધુ વિદ્યાર્થીઓ માગણીઓ સાથે હડતાલ પર ઉતરી ગયા છે. ગઈકાલે સ્ટાઈપેન્ડ અને હોસ્ટેલની માગણી સાથે આ વિદ્યાર્થીઓ હડતાલ પર છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ માર મારવાનો પણ આક્ષેપ કર્યો છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, વિદ્યાર્થીઓની માગણી ગેરવ્યાજબી છે અને તેમને મેનેજમેન્ટે માર માર્યો નથી.

પાલનપુર મોરિયા મેડિકલ કોલેજના 150થી વધુ વિદ્યાર્થીઓ ગઈકાલથી જ હડતાલ પર ઉતરી ગયા છે. 18 હજાર સ્ટાઇપેન્ડની માગણી અને હોસ્ટેલની માગણી સાથે આ વિદ્યાર્થીઓ ફરજથી અળગા રહી અને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આજે મોરિયા મેડિકલ કોલેજ કેમ્પસમાં પ્રવેશતા હતા, ત્યારે તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. આ સાથે સાથે કોલેજના મેનેજમેન્ટ દ્વારા માર માર્યો હોવાના પણ આક્ષેપ કર્યા છે. આ વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ 12 હજાર રૂપિયા મળે છે અને વિદ્યાર્થીઓ સરકારી રાહે જે સરકારી કોલેજોમાં 18 હજાર સ્ટાઇપેન્ડ મળે છે તે 18 હજાર સ્ટાઇપેન્ડની માગણી કરી રહ્યા છે. આ સાથે સાથે હોસ્ટેલની પણ માગ છે અને આ વિદ્યાર્થીઓની માગણી ન સંતોષતા તેઓ હડતાળ પર છે જ્યારે મેનેજમેન્ટ તેમનું સાંભળવા માટે તૈયાર નથી.

પાલનપુરની મોરિયા મેડિકલ કોલેજ એક ખાનગી કોલેજ છે અને ખાનગી કોલેજના ધારાધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓને 12000 સ્ટાઇપેન્ડ ચૂકવાય છે. જો કે, સરકારી કોલેજોમાં ચૂકવાતું સ્ટાઇપેન્ડ ખાનગી કોલેજ ન આપી શકે તેવું મેનેજમેન્ટનું કહેવું છે. જો કે, હોસ્ટેલની માગણી વ્યાજબી છે અને તે માગણી મેનેજમેન્ટે સ્વીકારી લીધી છે. જો કે, મોરિયા મેડિકલ કોલેજના ચેરમેનનો આજે જન્મદિવસ હતો અને જેને લઈને મોરિયા મેડિકલ કોલેજમાં બ્લડ કેમ્પનું આયોજન થયું હતું. ત્યારે બ્લડ કેમ્પમાં આવેલા લોકોને આ વિદ્યાર્થીઓએ રોક્યા હતા અને લોકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હશે તેવું મેનેજમેન્ટનું કહેવું છે. તેમાં વિદ્યાર્થીઓને માર મારવામાં અથવા તો રોકવામાં મેનેજમેન્ટનો કોઈ રોલ નથી તેવું મેનેજમેન્ટ અત્યારે કહી રહ્યું છે.

બે દિવસથી મોરિયા મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને મેનેજમેન્ટ વચ્ચે ગ્રહ ગજગ્રહ ચાલી રહ્યો છે. ત્યારે હવે વિદ્યાર્થીઓનું મેનેજમેન્ટ સાંભળતું નથી એટલે 150થી વધુ વિદ્યાર્થીઓ સોમવારે રેલી કાઢી અને આંદોલનના માર્ગે જશે તેવું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે.

મોરિયા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડ અને હોસ્ટેલની માગણીને લઈને ગઈકાલથી વિદ્યાર્થીઓ હડતાલ પર છે. મેડિકલ કોલેજના મેનેજમેન્ટે તેમની વાત ન સાંભળતા અને મેડિકલ કોલેજના કેમ્પસમાં 150 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશવા ન દેતા તમામ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.