January 3, 2025

DRDOએ એન્ટિ-રેડિયેશન મિસાઈલ રુદ્રમ-2નું સફળતાપૂર્વક કર્યું પરીક્ષણ

DRDO Rudram-II Successfully Tested: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ એર-ટુ-સર્ફેસ એન્ટી-રેડિયેશન મિસાઈલ રુદ્રમ-2નું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ આજે ઓડિશાના દરિયાકાંઠેથી વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ સુખોઇ-30 (Su-30MKI) થી છોડવામાં આવી હતી. ડીઆરડીઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. ડીઆરડીઓએ લખ્યું છે કે ફ્લાઇટ ટેસ્ટમાં ટેસ્ટના તમામ ઉદ્દેશ્યો પૂરા થયા હતા. આમાં, પ્રોપલ્શન સિસ્ટમથી લઈને નિયંત્રણ અને માર્ગદર્શન અલ્ગોરિધમ્સ સુધીની દરેક વસ્તુની પુષ્ટિ કરવામાં આવી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મિસાઈલના સફળ પરીક્ષણ પર ડીઆરડીઓ, એરફોર્સ અને ઈન્ડસ્ટ્રીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ પરીક્ષણની સફળતાએ રુદ્રમ-2ની ભૂમિકાને મજબૂત રીતે સમર્થન આપ્યું છે અને તે ભારતીય સશસ્ત્ર દળોની તાકાતમાં અનેકગણો વધારો કરશે.

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં એમ પણ કહ્યું કે રુદ્રમ-2 મિસાઈલના ઉડાન પરીક્ષણે તમામ પરીક્ષણ ઉદ્દેશ્યોને પૂરા કર્યા છે. ભારતે બુધવારે ઓડિશાના દરિયાકાંઠે ભારતીય વાયુસેનાના સુખોઈ-30 ફાઈટર એરક્રાફ્ટમાંથી ‘રુદ્રમ’ એર ટુ સરફેસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે, “DRDOએ 29 મેના રોજ સવારે 11:30 વાગ્યે ભારતીય વાયુસેનાના સુખોઈ-30 MK-I પ્લેટફોર્મ પરથી રુદ્રમ-2 એર-ટુ-સર્ફેસ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.”

રુદ્રમ-II એન્ટી રેડિયેશન મિસાઈલ શું છે?
રુદ્રમ-II એ સ્વદેશી રીતે વિકસિત ઘન પ્રોપેલન્ટ એર-લોન્ચ મિસાઈલ સિસ્ટમ છે, જે દુશ્મનોના વિવિધ લક્ષ્યોને નષ્ટ કરવામાં સક્ષમ છે. વિવિધ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન) પ્રયોગશાળાઓ દ્વારા વિકસિત ઘણી અત્યાધુનિક સ્વદેશી તકનીકોને મિસાઈલ સિસ્ટમમાં સામેલ કરવામાં આવી છે.

રુદ્રમ-II નવીનતમ સંસ્કરણ છે. તેના પહેલાના વર્ઝન રુદ્રમ-1નું ચાર વર્ષ પહેલા ફાઈટર જેટ સુખોઈ-30MKI દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રુદ્રમ-II શ્રેષ્ઠ મિસાઈલોમાંની એક છે અને તેનો હેતુ દુશ્મનોના અનેક પ્રકારના હુમલાઓને નિષ્ક્રિય કરવાનો છે. ભારત પાસે હાલમાં રશિયન એન્ટી રેડિયેશન મિસાઈલ Kh-31 છે. રૂદ્રમ મિસાઈલ Kh-31નું સ્થાન લેશે.