December 22, 2024

Vadodaraની 9 વર્ષની દીકરીએ બનાવ્યો અનોખો ગિનિસ બુક રેકોર્ડ

વડોદરાઃ શહેરની 9 વર્ષની એક દીકરીએ અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 9 વર્ષીય જૈમિનીએ વાળમાં હૂલા હુપ સ્પિન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યો છે.

જૈમિની હાલ ધોરણ 4માં અભ્યાસ કરે છે. આટલી નાની ઉંમરે જૈમિનીએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. હકીકતમાં જૈમિનીને બાળપણથી જ હૂલા હુપનો શોખ છે અને તેને આ ખૂબ જ ગમે છે. આ ગેમમાં તે એટલી કુશળ બની ગઈ છે કે, તે વાળમાં પણ ખૂબ જ સરળતાથી હૂલા હુપ ફેરવી શકે છે.

જૈમિનીને પહેલેથી હૂલા હુપ સાથે કોઈ રેકોર્ડ બનાવવો હતો અને તેણે મનોમન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનું નક્કી કરી લીધું હતું. તેણે 1 મિનિટમાં 153 વખત વાળમાં હૂલા હુપ રિંગ ફેરવી હતી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં આ રેકોર્ડ 138 વખતનો હતો.