December 26, 2024

વેપારી પાસે મદદ માગી મહિલાઓ ઘરે લઈ ગઈ, હનીટ્રેપમાં ફસાવી 50 હજાર માગ્યા

મિહિર સોની, અમદાવાદઃ વડોદરાના વેપારી માટે ધરમ કરતા ધાડ પડી હોય તેવો ઘાટ સર્જાયો છે. ઈજાગ્રસ્ત મહિલાની મદદ કરવા જતા પોલીસ બનીને આવેલા ચાર યુવકોએ કૂટણખાનું ચલાવવાના બહાને ધમકાવી 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. જો કે, વેપારીએ ચાલાકી વાપરતા એટીએમ સુધી લઈ જઈ એકને ઝડપી પાડ્યો હતો. આ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

વડોદરાના વેપારી રાજદિપસિંહ રાઓલ પરિવારને અમદાવાદ મૂકવા આવ્યા હતા. ત્યારે પરત ફરતા સરદારનગર પાસેથી પસાર થતી એક મહિલા કે જેના પગે ફેક્ચર હોવાનું અને પાટો બાંધેલી હાલતમાં વેપારી પાસે મદદ માગી હતી. મહિલા તથા તેની બહેને ગાડીમાં લિફ્ટ માગી ઘર સુધી મૂકી જવા કહ્યું હતું. જ્યારે વેપારી મહિલાના ઘરે પહોંચ્યા, ત્યારે ચાર યુવકો પોલીસની ઓળખ આપી ઘરમાં ઘૂસી આવ્યા હતા અને કુટણખાનું ચલાવો છો તેમ કહી વેપારીને ધમકાવી રૂપિયા 50 હજારની માગણી કરી હતી. જો કે, વેપારીએ પૈસા ન હોવાથી એટીએમ સેન્ટર સુધી લઈ જઈ સાળાને બોલાવી રૂપિયા લેવા આવેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આ યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ તેના વિરોધ ગુનો નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે પણ આ મામલે જયદીપ ઉર્ફેલ લાલો કોટીલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના પરિવારને સ્માર્ટ મીટરમાં આવ્યું 6 લાખ બીલ, માસિક આવક 20 હજાર!

ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા તેનુ નામ જયદિપ કોટીલા હોવાનું સામે આવ્યું છે અને તે ભાવનગરનો હોવાનું પણ જાણવા મળ્યું છે. તેની સાથે રહેલા અન્ય આરોપી અંગે તપાસ કરતા તેના બનેવી બળવંતભાઈ, ચિરાગ તથા અન્ય મહિલા ખુશી, શીતલ અને અજાણ્યા શખ્સ તેમની સાથે આ હનીટ્રેપમાં સંડોવાયેલા હતા. આમ તમામે ભેગા મળીને વેપારી પાસેથી રૂપિયા પડાવવા કાવતરૂં ઘડ્યું હતું. આ કાવતરાના ભાગરૂપે જયદીપે ઈન્દ્રલોક સોસાયટીમાં એક મકાન પણ ભાડે રાખ્યું હતું. આ મકાનમાં ફરિયાદીને લઈ જતા જ ચાર શખ્સોએ ઘરમાં આવીને પોલીસ હોવાની ઓળખ આપી તમે કૂટણખાનામાં ફસાઈ ગયા છો તેમ કહ્યું હતું. ત્યારબાદ શખ્સોએ મહિલાને પૂછતા આ ભાઈ અમને અહીં લઈ આવ્યા છે તેમ કહી બૂમાબૂમ કરતા ચાર શખ્સોએ રાજદિપસિંહને ધમકાવીને ડોક્યુમેન્ટ લઇને તમારી સામે કેસ થશે તેમ કહીને 50 હજારની માગણી કરી હતી.

આ પણ વાંચોઃ સિંહો સહિત વન્ય પ્રાણીઓ માટે જંગલમાં પાણીની વ્યવસ્થા, નવા 17 પોઇન્ટ બનાવ્યાં

હનીટ્રેપના ગુનામાં ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ભાવનગરમાં હત્યાનો ગુનો પણ નોંધાયો છે. તો અન્ય આરોપી બળવંત વિરુદ્ધ કામરેજમાં આ પ્રકારના બે ગુના નોંધાયા છે. આ સાથે જ પોલીસને ઝડપાયેલા આરોપી જયદિપ કોટીલાના સોશિયલ મીડિયા પરથી પોલીસ કસ્ટડી સમયના વીડિયો મળી આવ્યા છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.