December 19, 2024

ધકધકતા તાપને લઈને હવામાન વિભાગની આગાહી, અમદાવાદીઓ ચેતી જજો

અમદાવાદ: કાળઝાળ ગરમીને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ છે ત્યારે આગામી ચાર દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં બે દિવસ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે અમદાવાદનું તાપમાન 45.9ડિગ્રી અને ગાંધીનગરમા 45.8ડિગ્રી તાપમાન નોંધાયું છે.

મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે ગરમીને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ આપ્યું છે. તેમજ આણંદ, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ છે. સુરત,વલસાડ, ખેડા, પંચમહાલ, અરવલી,અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ સિવાય છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

જ્યારે બોટાદ, જૂનાગઢ, કચ્છ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન રહી શકે છે. તેમજ ઉત્તર પશ્ચિમી પવન ફૂંકવાને કારણે ગરમીની અસર જોવા મળી રહી છે. ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. તેમજ ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે એવું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે શહેર સહિત રાજ્યમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ચૂક્યો હતો. જેને લઇને અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO દ્વારા તમામ સ્કૂલોને પત્ર લખીને કામગીરી 10 વાગ્યા સુધી પૂર્ણ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રવેશ સહિતની કામગરી સવારે કરવા આદેશ કર્યો છે.

અમદાવાદના DEOએ ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે શાળાને આચાર્ય અને વહીવટી કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્રવેશ, વહીવટી કામગીરી અને પરિણામ વિતરણની કામગીરી સવારે 7થી 10 વાગ્યા સુધીના સમયગાળામાં પૂર્ણ કરવાની રહશે. તેમજ DEO ઓફિસની કામગીરી પણ શક્ય હોય તો રૂબરૂ જવાને બદલે ઇમેઇલ અને ફોનથી પૂર્ણ કરવાની રહેશે.