December 24, 2024

Kolkata HCનો મમતા સરકારને ફટકો, 2010થી બનેલા 5 લાખ OBC પ્રમાણપત્રો રદ

OBC Certificate: કોલકાતા હાઇકોર્ટે બુધવારે (22 મે) પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે 2010થી જારી કરાયેલા લગભગ 5 લાખ OBC પ્રમાણપત્રો રદ કરવાનો નિર્ણય કર્યો છે. હવે નોકરીની અરજીઓમાં પણ OBC પ્રમાણપત્ર સ્વીકારવામાં આવશે નહીં. એક અરજી પર સુનાવણી દરમિયાન કોલકાતા હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. આ નિર્ણય અનુસાર, હાઈકોર્ટે 2010 થી જારી કરાયેલા તમામ અન્ય પછાત વર્ગ (ઓબીસી) પ્રમાણપત્રોને રદ કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણયની ઘણી દૂરગામી અસરો જોવા મળી શકે છે.

હાઈકોર્ટે આદેશમાં શું કહ્યું?
કોલકાતા હાઈકોર્ટમાં જસ્ટિસ તપબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથાની ડિવિઝન બેન્ચે બુધવારે એક PILની સુનાવણી દરમિયાન આ નિર્ણય આપ્યો હતો.આ પીઆઈએલમાં ઓબીસી સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ કેસમાં કોર્ટે સૂચના આપી હતી અને કહ્યું હતું કે 1993ના કાયદા હેઠળ રચાયેલા પશ્ચિમ બંગાળ પછાત આયોગ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર જ OBC પ્રમાણપત્રો બનાવવામાં આવે.

તુષ્ટિકરણની રાજનીતિને મોટો ફટકો: ભાજપ
હાઈકોર્ટના નિર્ણય બાદ ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, ‘મમતા બેનર્જીની તુષ્ટિકરણની રાજનીતિને વધુ એક ઝટકો લાગ્યો છે.’ કલકત્તા હાઈકોર્ટે OBC સબ-કેટેગરીમાં મુસ્લિમોની અનામત સમાપ્ત કરી દીધી છે. આ સાથે હાઈકોર્ટે 2010 થી 2024 વચ્ચે આપવામાં આવેલા તમામ OBC પ્રમાણપત્રો પણ રદ કરી દીધા છે. આ સમયગાળા દરમિયાન, જો પ્રવેશ મેળવનારા લોકો તેમની નોકરી જાળવી રાખવામાં સફળ થાય છે, તો તેઓ અન્ય કોઈપણ લાભો માટે હકદાર રહેશે નહીં.