December 18, 2024

Suratના ડિંડોલી વિસ્તારમાં યુવકની હત્યા, કિશોર સહિત 4ની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ડિંડોલી વિસ્તારમાં બલિયાનગર નવાગામાં અતુલ સોની નામના યુવકની હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા બાળકિશોર સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો આરોપીની ધરપકડ બાદ પણ મૃતકના પરિવારના સભ્યોમાં રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા લોકોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું હતું. આ ઉપરાંત ટોળાએ કેટલાક વાહનોમાં તોડફોડનો પ્રયાસ કરતા પોલીસે બળપ્રયોગ કરીને મામલો થાળે પાડ્યો હતો અને ત્યારબાદ સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી પોલીસે હાથ ધરી હતી.

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બલિયાનગર નવાગામમાં એક હત્યાની ઘટના સામે આવી હતી. જેમાં વિશાલ ઉર્ફે અતુલ સોનીને ઘરની નજીક રહેતા જ મુકેશ મીર, ગોપાલ મીર, આનંદ ઉર્ફે કાલુ યાદવ તેમજ અભિષેક ઉર્ફે કાલીયા અનેક બાળકિશોર સાથે સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખીને 20 મે 2024ના રોજ બપોરના ત્રણ વાગ્યા આસપાસ વિશાલ સોની મોપેડ દોરીને લઈ જઈ રહ્યો હતો. તે સમયે આનંદ ઉર્ફે કાલુ તેમજ અન્ય એક ઇસમે સાથે મળીને વિશાલ સોનીને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. આ ઘટનામાં વિશાલને ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે

પોલીસે ગુનો દાખલ કર્યાના ગણતરીના સમયમાં જ આરોપી આનંદ ઉર્ફે કાલુ યાદવ, અભિષેક ઉર્ફે કાલીયા, મુકેશ મેર અને અન્ય એક બાળકિશોરની ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ બાદ પણ મૃતકના પરિવારના સભ્યો અને સગા સંબંધીઓએ આ ઘટનાને લઈને ડિંડોલી વિસ્તારમાં વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી ગયા હતા અને રોડ પરના ઓવરબ્રિજને બ્લોક કરી દેવામાં આવ્યો હતો. તો કેટલાક લોકો દ્વારા રિક્ષાઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ પાંચ દિવસ અમદાવાદમાં ગરમીનું ‘રેડ એલર્ટ’, જાણો તંત્રની તૈયારી

આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાક ઈસમો હિંસા પર ઉતરી આવ્યા હોવાના કારણે પોલીસે બળપ્રયોગ કરીને મામલો થાળે પાડ્યો હતો. બાદમાં મૃતકના સગા સંબંધીઓના ઘરની આસપાસ અને સ્થાનિક વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું.