December 27, 2024

ઓનલાઇન ગેમમાં દેવાદાર બનતા પોતાના અપહરણનું તરકટ રચ્યું, વાંચો સમગ્ર કિસ્સો

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ચોકબજાર વિસ્તારમાં ઓનલાઈન જુગારની ગેમમાં રૂપિયા 3 લાખ હારી જતાં લેણદારોને રૂપિયા ન આપવા પડે તે માટે રત્નકલાકાર દ્વારા પોતાના અપહરણનું તરકટ રચવામાં આવ્યું હતું. રત્નકલાકારના અપહરણ થયાની ફરિયાદ મળતા દોડતી થયેલી ચોક પોલીસે અલગ અલગ ટિમો બનાવી અને હ્યુમન સોર્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સ સહિત મોબાઈલ નંબરના સીડીઆરના આધારે રત્નકલાકારને પાંડેસરાના બુડિયા ગામથી ઝડપી પાડ્યો હતો. જે રત્નકલાકારની તપાસમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો અને પોતે જ અપહરણનું તરકટ રચ્યું હોવાની હકીકત જણાવી હતી. હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચોકબજાર પોલીસે હાથ ધરી છે.

સામાન્ય રીતે કોઈ ગુનો બને તો પોલીસ અલગ અલગ પાસાઓ અને એન્ગલથી તપાસ કરતી હોય છે. ક્યારેક કોઈ ઘટનામાં ફરિયાદી દ્વારા પોલીસને ખોટી રીતે ગેરમાર્ગે પણ દોરવામાં આવે છે. આવી જ એક ઘટનામાં સુરતના ચોકબજાર વિસ્તારમાં બની છે. જ્યાં એક રત્નકલાકારે પોતાનું જ અપહરણ થયું હોવાનું તરકટ રચી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પોલીસ તપાસમાં રત્નકલાકારનો ભાંડો ફૂટતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચોઃ સ્માર્ટ મીટર મામલે વીજ વિભાગનો મોટો ખુલાસો – મીટર ફરજિયાત નથી

સુરતના વેડરોડ ખાતે રહેતા મહિપત રાઠોડ દ્વારા ચોક બજાર પોલીસ મથકમાં પુત્ર ગૌરાંગ રાઠોડનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. અપહરણની ફરિયાદ નોંધાતાની સાથે ચોક બજાર પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. મહિપત રાઠોડની પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે, પુત્ર ગૌરાંગ રાઠોડ હીરા કારખાનામાં કલાકાર તરીકે કામ કરે છે. જે પુત્રનું અપહરણ થયું છે અને અજાણ્યા નંબરથી કોલ કરનાર વ્યક્તિએ 4,00,000ની ખંડણી માંગી છે. મહિપત રાઠોડ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આ 10 જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી

ચોક બજાર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જ્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ અપહરણ કેસ મામલે અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી હતી. જે નંબરથી ખંડણી માટેનો કોલ આવ્યો હતો. તે નંબરના સીડીઆર પોલીસ દ્વારા કઢાવવામાં આવ્યા હતા. જે મોબાઈલ નંબરનુ લોકેશન પાંડેસરાના બુડિયા ગામ ખાતેનું બહાર આવતા પોલીસે તાત્કાલિક નિયત લોકેશન પર ટીમો દોડાવી હતી. જ્યાંથી ગૌરાંગ રાઠોડને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. પરંતુ તેનું અપહરણ થયું હોવાની વાત માત્ર ઘડી કાઢવામાં આવી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા.

પોલીસ પૂછપરછમાં ગૌરાંગ રાઠોડે જણાવ્યું હતું કે, પોતે ઓનલાઈન જુગારમાં 3 લાખ રૂપિયા હારી ગયો હતો. જે રકમ અલગ અલગ લોકો પાસેથી હાથ ઉછીની લેવામાં આવી હતી. લેણદારો દ્વારા ઉઘરાણી શરૂ કરાતા રૂપિયા ચૂકવવામાં અસમર્થ હતો. જેથી પિતા પાસેથી રૂપિયા પડાવી માથે થયેલું દેવું વાળવા માટે અપહરણનું તરકટ રચ્યું હોવાની કબુલાત ગૌરાંગ રાઠોડે કરી હતી. એટલું જ નહીં, પરંતુ ચાર લાખની ખંડણી માટેનો કોલ પણ તેને જાતે કર્યો હતો. આમ આરોપીએ જાતે જ અપહરણ થયું હોવાની વાત ઉપજાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી. હાલ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી છે.