December 25, 2024

અક્ષય કુમારે આ ગામની દીકરીઓ માટે કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારની દરિયાદિલી તો બધાને ખબર જ છે અને અભિનય તો ફિલ્મોમાં જોયો જ હશે. જેમાં દરેક અંદાજમાં અને કામ કરવાની રીત પણ બધાથી અલગ છે. તેવી જ રીતે તેમણે રાજસ્થાનના એક ગામની દીકરીઓ માટે એક મોટી જાહેરાત કરી છે.

રાજસ્થાનના બેવર જિલ્લાના મસૂદાના નજીક આવેલા ગામ દેવમાલીની દીકરીઓ માટે અક્ષય કુમાર સુકન્યા ખાતામાં રૂપિયા જમા કરાવશે. આ રૂપિયા એક-બે વર્ષ માટે નહીં, પરંતુ 14 વર્ષ માટે જમા કરાવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પૂર્વ સરપંચ માદુ રામે જણાવ્યુ હતુ કે, ગામમાં જોલી એલએલબી-3ના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારે દેવમાલી ગામની તમામ દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલાવવા અને પોતાના ખર્ચે 14 વર્ષ સુધી તેમાં રકમ જમા કરાવવાની ઘોષણા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર હાલમાં અજમેર અને તેની આસપાસના ગામોમાં ફિલ્મ જોલી એલએલબીની શૂટિંગ કરી રહ્યા છે. તેમણે દેવમાલી ગામમાં દેવનારાયણ મંદિરના દર્શન કર્યા પછી આ વચન આપ્યું હતું. ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે શુક્રવારે સવારે દેમાલી ગામમાં આવેલા દેવનારાયણ મંદિરે પહોંચ્યા હતા. અક્ષય કુમારે ભગવાન દેવનારાયણની પૂજા-અર્ચના કરી પ્રસાદ ચડાવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ તેમનું સ્વાગત કર્યું હતું. રાજસ્થાની પરંપરાથી સ્વાગત કર્યા બાદ અક્ષય કુમારે તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને ફિલ્મની શૂટિંગ પતાવ્યા બાદ અક્ષય કુમારે ફરીથી ગામમાં આવવાનું કહ્યું હતું.