December 18, 2024

બનાસકાંઠામાં ગરમીને કારણે સેવાકીય સંસ્થાઓ દ્વારા છાશ-પાણીના કેન્દ્રો શરૂ કર્યા

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: છેલ્લા ચાર દિવસથી બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ યથાવત છે 45 ડિગ્રી સુધી ગરમી જઈ રહી છે, ત્યારે લોકો આ ગરમીથી પરેશાન થઈ રહ્યાં છે. કાળજાળ અને અંગ દઝાડતી આ ગરમીને કારણે બનાસવાસીઓ ગરમીથી પરેશાન છે, બીજી બાજુ આ વધતી જતી ગરમીને લઇને તંત્ર દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં બપોરે 12 થી 3ના સમયગાળામાં ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

ઠંડાપીણા પીવા સહિત ગરમી માટે બચવાના ઉપાયોની પણ તંત્રએ સલાહ આપી છે. આવી કાળજાળ ગરમીમાં પણ લોકોને કામ અર્થે બહાર નીકળવું પડતું હોય છે. મુસાફરી પણ કરવી પડતી હોય છે, જેને લઇને ગરમીનો અનુભવ લોકોને થતો હોય છે ત્યારે જે પ્રકારે ગરમીનું પ્રમાણ જોતા શહેરો અને ગામડાઓમાં બારથી ચારના સમયમાં રસ્તાઓ સૂમસામ દેખાઇ રહ્યાં છે. જે ભરચક વિસ્તારો હોય ત્યાં પણ એકલદોકલ વાહનો અથવા તો લોકોની અવરજવર હોય છે. આ ગરમીને કારણે સેવાકીય સંસ્થાઓ પણ સેવા કરવા માટે આગળા આવી છે જેમાં છાશ-પાણીના કેન્દ્રો શરૂ કરી દીધા છે. ગરમીમાં છાશ પીવાથી રાહત મળે તેવા પ્રયત્નો કરીને સેવાકીય સંસ્થાઓ લોકોની તરસ છીપાવી અને ગરમીમાંથી ઠંડક મળે એવું કાર્ય કરતા હોય છે.

હજુ પણ હવામાન વિભાગની વધુ ગરમી પડવાની આગાહી છે અને આ આગાહીને લઈને પણ હજુ વધુ ગરમી પડી શકે તેવી શક્યતાઓ છે ત્યારે બિનજરૂરી ગરમીમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ સૂચના છે અને ગરમીથી બચવાના ઉપાયો કરવાની પણ સલાહ છે ત્યારે અત્યારે તો અંગ દઝાડતી ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે ત્યારે ક્યારે વરસાદ આવે અને ક્યારેય ગરમીથી રાહત મળે તે એક પ્રશ્ન છે.