December 23, 2024

અમદાવાદ: ઓરકેસ્ટ્રા શૉની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં SOG એ ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ઓરકેસ્ટ્રા શૉની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ડ્રગ્સ પેડલર સાથે તેના એક મિત્રને દારૂ સાથે પણ ઝડપી પાડવામાં આવ્યો છે. SOGએ ડ્રગ્સના નેટવર્કને લઈને મહિલાના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી.

અમદાવાદમાં ડ્રગ્સના જથ્થા સાથે SOGએ વધુ એક ડ્રગ્સ પેડલર મહિલાની ધરપકડ કરી છે. SOGએ બાતમી મળતા નરોડા વિસ્તારના હંસપુરામાં આવેલી શંખેશ્વર ટાઉનશીપમાંથી જ્યોતિબાલા પ્રજાપતિ નામની મહિલાની ડ્રગ્સની હેરાફેરીમાં ધરપકડ કરી છે. પોલીસે મહિલા પાસેથી રૂ 83,000 ની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થો જપ્ત કર્યો છે. આ મહિલા સાથે તેના મિત્ર જીતેન્દ્ર પટેલને પણ દારૂ તેમજ બિયરની બોટલો સાથે પકડવામાં આવ્યા છે. પોલીસે બંનેની ધરપકડ કરીને ડ્રગ્સ અને દારૂને લઈને 2 ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: બગોદરામાં પતિએ પત્નીના પૂર્વ પ્રેમીની હત્યા કરી મૃતદેહ ખાડામાં ફેંક્યો

પોલીસે ડ્રગ્સ પેડલર જ્યોતિબાલા પ્રજાપતિની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, તે એક ઓરકેસ્ટ્રા શો કરતી કંપનીમાં નોકરી કરે છે. જે જુદા-જુદા પ્રસંગોની પાર્ટીનું આયોજન કરે છે. જેમાં અલગ-અલગ પ્રસંગો માટે ઓરકેસ્ટ્રા રાખવામાં આવે છે તેમાં મહિલા ડાન્સર તરીકે ફરજ બજાવે છે. આ મહિલાને ગુજરાતમાં અલગ-અલગ જગ્યાઓ ઉપરાંત મુંબઈ અને રાજેસ્થાન શો માટે જવાનું થાય છે. એટલું જ નહીં મહિલા ડ્રગ્સ એડિક્ટ હોવાનું પણ ખુલ્યું છે. જેથી મહિલા ઓરકેસ્ટ્રા શોની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરતી હતી. મહત્વનું છે કે આ મહિલા સાથે તેનો મિત્ર જીતેન્દ્ર પટેલને પોલીસે દારૂ સાથે ધરપકડ કરી છે તે અગાઉ પણ દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે.

હાલ તો પોલીસે યુવતીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને આ ડ્રગ્સનો જથ્થો તે ક્યાંથી લઈ આવી હતી તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ યુવતી પોતે ડ્રગ્સની એડિક્ટ હતી તો આ ડ્રગ્સ પોતાની માટે લાવી હતી કે ડ્રગ્સનું વેચાણ કરતી હતી આ તમામ મુદ્દે આરોપીની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.