પાટણની ગૂંગણી કેનાલમાં કચરો-કાદવનાં સામ્રાજ્ય, નગરપાલિકા ઘોર નિંદ્રામાં
પાટણઃ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે આનંદ સરોવરને જોડતી ગૂંગણી કેનાલની નગરપાલિકા તંત્ર દ્વારા સાફ-સફાઈ કરવામાં આવતી નથી. કેનાલમાં કચરો અને કાદવનાં થર જોવા મળી રહે છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આ કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. ત્યારે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા આ કેનાલની નક્કર અને વાસ્તવિક રીતે સફાઈ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
પાટણ શહેરમાં ચોમાસાના આગમન સાથે ઠેર-ઠેર વિવિધ માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાને નિવારવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા અમુક વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ મારફતે પાણી નિકાલ કરવામાં આવે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં કેનાલ મારફતે પાણી નિકાલ કરવામાં આવે છે. પાટણ શહેરના આનંદ સરોવરને જોડતી ગૂંગણી કેનાલ જે વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી – બે દિવસ વરસાદ બાદ હીટવેવની શક્યતા
નગરપાલિકાની ઉદાસીનતાને કારણે આ કેનાલની યોગ્ય સફાઈ થતી ન હોવાને કારણે આ કેનાલ હાલ ગંદકીથી ખદબદી રહી છે. કેનાલમાં કચરો અને કાદવના થર જોવા મળી રહ્યા છે, છતાં નગરપાલિકા તંત્ર દ્વારા આ કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી આ કેનાલમાં ભૂગર્ભ ગટરના કનેક્શનન પણ છે, છતાં પાલિકા તંત્ર આવા કનેક્શનનો દૂર કરતી નથી. જેને કારણે ગટરનું ગંદુ પાણી આ કેનાલમાં ઠલવાય છે અને ગંદકી થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન નિષ્ણાંતોની આગાહી
વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલમાં ભૂગર્ભગટરનું ગંદુ અને દૂષિત પાણી ઠલવાતા કેનાલમાં અસહ્ય ગંદકીને કારણે મચ્છરોના ઉપદ્રવથી આસપાસની સોસાયટીઓના રહીશો નાની-મોટી બીમારીઓનો ભોગ બની રહ્યા છે. ત્યારે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તંત્ર દ્વારા આખી કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તેવી માગ ઉઠી છે. પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર સફાઈના નામે દેખાવ જ કરવામાં આવે છે, ત્યારે સત્તાધીશો પ્રજાહિતમાં આ સમગ્ર કેનાલની સફાઈ યોગ્ય રીતે કરી કેનાલમાં રહેલો કચરો અને કાદવ બહાર કાઢવામાં આવે તેવી માગ ઉઠી છે.