November 22, 2024

ગુજરાતમાં કેવું રહેશે આ વર્ષે ચોમાસું? હવામાન નિષ્ણાંતોની આગાહી

સાગર ઠાકર, જૂનાગઢઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને રમણીકભાઈ વામજાએ મોટી આગાહી કહી છે. તેમણે કહ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારું રહેશે.

જૂનાગઢના વંથલી ગામે રહેતા રમણીકભાઈ વામજા એક સામાન્ય ખેડૂત છે અને જૂનાગઢમાં એક મીલમાં કામ કરી ગુજરાન ચલાવે છે પરંતુ કોઠાસૂઝ, વડીલો પાસેથી મળેલા જ્ઞાન, ખગોળ વિજ્ઞાન અને ભડલી વાક્યોના આધારે તેઓ હવામાન અને વરસાદની આગાહી કરે છે. જ્યારે જૂનાગઢમાં વસતાં ખેડૂત પુત્ર પરેશભાઈ ગોસ્વામીએ બીઆરએસ એગ્રીનો અભ્યાસ કર્યો છે અને હવામાન નિષ્ણાંત પણ છે અને તેઓ વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે. વિવિધ પરિબળોના વિશ્લેષણના આધારે જે આગાહી કરવામા આવે છે તે મોટા ભાગે સાચી પડતી હોય છે.

આ પણ વાંચોઃ

રમણીકભાઈ વામજા ખગોળ વિજ્ઞાન અને ભડલી વાક્યોના આધારે વરસાદની આગાહી કરે છે. શરદ પૂનમ, શિવરાત્રી, હોળી જેવા તહેવારના દિવસોમાં વાતાવરણ, પવનની દિશા, ભેજનું પ્રમાણ વગેરે પરિબળોના આધારે અનુમાન કરવામાં આવે છે. વરસાદના નક્ષત્ર, અખાત્રીજના પવન, ચૈત્ર માસની વદ પાંચમથી તેરસ સુધી ચૈત્રી દનૈયા હોય છે અને ચૈત્રી દનૈયાના વિશ્લેષણના આધારે પણ આગાહી કરવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે સારા વરસાદનું અનુમાન છે. વર્ષ સારૂં જાય તેવા વરતારા છે. ચાલુ વર્ષે ગરમી વધુ પડશે અને સાથે ત્રણ તબક્કામાં વાવણી થશે. અનાજનું સારૂં ઉત્પાદન થવાની સંભાવના છે, પરંતુ પશુઓના ઘાસચારા માટે ખેડૂતોને ચિંતા રહે તેવું પણ તેમનું અનુમાન છે. સપ્ટેમ્બર મહિનામાં હાથિયા નક્ષત્રમાં વરસાદ થાય અને નવરાત્રી દરમિયાન પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રમણીકભાઈના વિશ્લેષણના આધારે કોઈ મહાન વ્યક્તિનું અવસાન થાય તેવું પણ અનુમાન છે.

વૈજ્ઞાનિક ઢબે અનુમાન કરતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે જુલાઈ મહિનામાં લા-નીનો સ્થાપિત થશે એટલે વર્ષ સારૂં જશે. બંગાળના ઉપસાગર અને હિંદ મહાસાગરમાં હાલની સિસ્ટમ ચોમાસા માટે સાનૂકુળ છે એટલે 1 જૂન આસપાસ દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી જશે. ગુજરાતમાં 15 જૂનના બદલે વહેલું ચોમાસું બેસી જાય તેવી સંભાવના છે. જૂન મહિનામાં બેથી ત્રણ તબક્કામાં વાવણી થાય તેવો વરસાદ રહેશે. ત્યારબાદ 15 દિવસ વરસાદ વિરામ લેશે અને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ખૂબ સારો વરસાદ થશે. જુલાઈ અથવા ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. ખાસ કરીને, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસું લાંબુ રહેશે. નવરાત્રી સુધી વરસાદ રહેશે અને સરેરાશ 98થી 108 ટકા જેવો વરસાદ થવાની સંભાવના છે.