December 26, 2024

અમદાવાદમાં હોમગાર્ડ જવાને મદદ કરવાના બહાને રાજસ્થાનની યુવતી પર દુષ્કર્મ આચર્યુ

આ ઘટનાને લઈને નરોડા પોલીસે આરોપી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં એક યુવતીને મદદ કરવાના બહાને હોમગાર્ડ જવાને તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. રાજસ્થાનની યુવતી ફરવા અમદાવાદ આવી હતી પરંતુ ટ્રાવેલ્સની બસ છૂટી જતા દુષ્કર્મનો ભોગ બની હતી. ખાખીથી રક્ષણ મળશે તેવું સમજીને મદદ માંગી પરંતુ યુવતીને ખરાબ અનુભવ થયો હતો.

પોલીસની ગિરફ્તમાં આવેલા શખ્સ કોઈ રીઢો ગુનેગાર નહીં, પરંતુ એક હોમગાર્ડ જવાન છે. શહેર પોલીસની સાથે મળીને શહેરીજનોની રક્ષા કરવી હોમગાર્ડ જવાનની જવાબદારી હતી, પરંતુ તેને ભક્ષકનું કામ કર્યું. આરોપીનું નામ અક્ષય રાઠોડ છે. ત્યારે ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી 24 વર્ષીય યુવતી 11મી મેના રોજ અમદાવાદમાં ફરવા આવી હતી અને 12 મેના રોજ અમદાવાદ ફરીને રાત્રે 10 વાગ્યા આસપાસ રાજસ્થાન પરત જવા માટે ગીતામંદિર એસટી સ્ટેન્ડ પહોંચી હતી, જ્યાં જમવા જતા ઉદેપુર ખાતે જતી બસ નીકળી ગઈ હતી. આસપાસના લોકોએ તેને ચિલોડાથી ઉદેયપુરની બસ મળી જશે તેવું કહેતા તે રિક્ષામાં બેસીને ચિલોડા બાજુ પહોંચી હતી. જ્યાં હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડનો પોઇન્ટ પર હાજર હતો અને હોમગાર્ડ જવાન વર્ધીમાં હોય રાતનો સમય હોય યુવતીએ તેના પર વિશ્વાસ કરી મદદ માગી હતી. જે બાદ હોમગાર્ડ જવાને મદદના બહાને એકલતા લાભ ઉઠાવી હોટલમાં લઇ ગયો અને દુષ્કર્મ આચર્યું હતું.

આ પણ વાંચો: યુવાધનને નશાના રવાડે ચડાવવાનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ

આરોપી હોમગાર્ડ જવાન અક્ષયે પોતાના વાહન પર યુવતીને નાનાચિલોડા રીંગરોડ ખાતે મુકવા ગયો હતો. જોકે ત્યાં પણ ઉદયપુર જવાની બસ ન મળતા યુવતીએ અક્ષય રાઠોડને નજીકની કોઈ હોટલ હોય તો બતાવવાનું કહેતા તે નરોડા રીંગરોડ પાસે એરોસ હોટલમાં લઈ ગયો હતો. ગત્ત મોડી રાત થઈ ગઈ હોય પોતે પણ હોટલના રૂમમાં રોકાઈ જશે અને અડધું ભાડું આપશે, તેવું યુવતીને જણાવતા યુવતી પાસે પૈસા ઓછા હોવાથી તેણે હા પાડી હતી અને બંને જણા એક જ રૂમમાં રોકાયા હતા. હોટલમાં યુવતી બેડ પર જ્યારે અક્ષય રાઠોડ નીચે પથારી કરીને સુઈ ગયો હતો. મોડી રાત્રે 2:30 વાગે આસપાસ હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડે બેડ પર જઈને યુવતી સાથે અડપલા કર્યા હતા.યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીએ તેનું મોઢું દબાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા અને વહેલી સવારે આરોપી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાને લઈને યુવતી આઘાતમાં સરી પડી હતી. જોકે બપોરે તે ભાનમાં આવતા પરિવારનો સંપર્ક કર્યો હતો. અંતે આ બાબતને લઈને નરોડા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જે ઘટનાની ગંભીરતા લઈને નરોડા પોલીસે ગુનો દાખલ કર્યા બાદ તરત જ હોમગાર્ડ જવાન અક્ષય મધુભાઈ રાઠોડની ધરપકડ કરી છે. તે નરોડા વિસ્તારનો રહેવાસી છે અને તે નોબલનગર વિસ્તારમાં રાત્રીના સમયે છેલ્લા એક વર્ષ થી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને દિવસે TRB જવાન તરીકે કામ કરે છે. આરોપી પોતે પરિણીત છે અને તેને દોઢ વર્ષનું બાળક છે. આ ઘટનાને લઈને નરોડા પોલીસે આરોપી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.