January 19, 2025

ચીખલીગર ગેંગના વધુ એક આરોપી સહિત સગીરની ઘરફોડ ચોરીના કેસમાં ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના રાંદેર વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી સહિત એક સગીરને સુરતના પાંડેસરા દક્ષેશ્વર નજીકથી રાંદેર પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપી ઓળખ છુપાવવા મંકી કેપનો ઉપયોગ કરતો હતો. જ્યાં ચોરી કરેલી મોટર સાયકલની રજિસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી બંને આરોપીઓ રાંદેર વિસ્તારમાં ગયા હતા. ત્યારબાદ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની મોટર સાયકલ, રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબ્જે કરી આગળની તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે.

સુરતના રાંદેર પોલીસ ચોપડે ઘરફોડ ચોરીની ઘટનામાં સંડોવાયેલા સગીર સહિત બે આરોપીઓની પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. રાંદેર પોલીસના ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા રાંદેર પોલીસ દ્વારા બે અલગ અલગ ટિમો બનાવવામાં આવી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓ સુરતના ઉધના સ્થિત બીઆરસીમાં આવેલા પ્રભુનગરના એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી.

આવાસમાં રહેતા જકપાલસિંગ સિકલીગર સહિત એક સગીર વયના આરોપી દ્વારા આ ઘરફોડ ચોરી કર્યાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે પાંડેસરાના દક્ષેશ્વર નજીકથી ચોરીની મોટર સાયકલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ સહિત ઘરફોડ ચોરી કરવા ઉપયોગમાં લેવાયેલા સાધનો કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ તપાસ નડિયાદ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પણ પોલીસને સફળતા મળી હતી. આ આરોપીઓ ઓળખ છતી ન થાય તે માટે મંકી કેપ પહેરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાની હકીકત પુછપરછમાં જણાવી હતી. હાલ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે.