માતાનો અંતિમસંસ્કાર કરવા નીકળેલા ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ત્રણનાં મોત
બાંદીકુઈઃ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અચાનક આખલો આવી જવાને કારણે બેકાબૂ બનીને કાર ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી. કારમાંથી બહાર નીકળતા જ પતિ-પત્ની સહિત ત્રણ લોકોને પાછળથી આવતા ટ્રકે કચડી નાંખ્યા હતા. દુર્ઘટનામાં ત્રણેયના મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ઘાયલ થયા છે.
રવિવારે સવારે અંદાજે 5 વાગ્યા આસપાસ બાંદીકુઈ વિસ્તારના ઉંનબડા ગામ પાસે આ દુર્ઘટના ઘટી હતી. જાણકારી પ્રમાણે, અમદાવાદના રહેવાસી હસમુખ, પુત્ર કાંતિલાલની માતાનું હરિદ્વારમાં નિધન થયું હતું. તેથી પત્ની, દીકરી અને અન્ય સંબંધી સાથે તેમના અંતિમસંસ્કાર માટે જઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ અમરેલીમાં પુત્રવધૂ-વેવાણે કરી સાસુની ક્રૂર હત્યા, કટર ગળે ફેરવી પતાવી દીધી
બાંદીકુઈ SHOએ જણાવ્યુ હતુ કે, હસમુખ સિવાય તેમની પત્ની સીમા અને કાકા મોહનલાલને ટ્રકે કચડી માર્યા હતા. ત્રણેયના શરીરના ટુકડાં થઈને વિખેરાઈ ગયા હતા. ત્યાં એકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. કારમાં બેઠેલા હસમુખના બહેન નીતા, નીલમ, ડ્રાઇવર દિનેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યાં મામા કિરીટ ભાઈ, નીતાની દીકરી સાદીયા અને હસમુખના દીકરા નિવાલને સામાન્ય ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ પીટી જાડેજાની વાયરલ ઓડિયો અંગે સ્પષ્ટતા, કહ્યુ – સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ
હસમુખના મામા કિરીટભાઈએ જણાવ્યુ હતુ કે, તેમની બહેન સવિતા 6 મેના દિવસે હરિદ્વાર ફરવા માટે ગયા હતા. શનિવારે સવારે હરિદ્વારમાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ તેમની ઉત્તરક્રિયા કરવા માટે પરિવાર હરિદ્વાર જઈ રહ્યો હતો અને દુર્ઘટના બની હતી.