December 23, 2024

અમરેલીમાં પુત્રવધૂ-વેવાણે કરી સાસુની ક્રૂર હત્યા, કટર ગળે ફેરવી પતાવી દીધી

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ પુત્રવધૂએ માતા સાથે મળી સાસુને રહેંસી નાંખ્યાની ઘટના સાવરકુંડલામાંથી સામે આવી છે. સાસુની આંખમાં મરચું છાંટી હુમલો કર્યા બાદ ગળા, કપાળ સહિત શરીરનાં અંગો પર કટર ફેરવી પુત્રવધૂએ હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ સાવરકુંડલાની ફેન્ડ્સ સોસાયટીમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મહિલાની હત્યા તેમની પુત્રવધૂ તેમજ તેમની વેવાણે જ કરી હોવાનું સામે આવ્યું હતું. લાદી કાપવાના કટર વડે ગળું કાપીને હત્યા કર્યાનું ખૂલ્યું છે. ઘરકંકાસથી કંટાળીને પુત્રવધૂએ તેની સાસુની હત્યા કરી હતી. તેમજ તેના પતિ પર પણ હુમલો કર્યો હતો.

સાવરકુંડલાના પોશ એરિયામાં ખૂની ખેલ ખેલાયો હતો. વૈભવ પાઠક નામનો યુવાન બેન્કમાં નોકરી કરે છે. તેના પરિવારમાં પત્ની અને માતા છે. ત્યારે વૈભવ નોકરીથી પરત ફર્યો તો ઘરે માતાની લાશ જોવા મળી. તેણે આ દૃશ્ય જોઈને બૂમાબૂમ કરી હતી. લોકો ભેગા થતા પોલીસને જાણ કરવામાં આવી. ત્યારે પોલીસ આવતાં જ વૈભવે હત્યા કરી હોવાના સાસુએ આક્ષેપ કર્યા હતા. તે દરમિયાન વૈભવના સાસુએ આક્ષેપ કર્યો હતો કે, વૈભવે જ તેમની માતાની હત્યા કરી નાંખી છે. વૈભવે આક્ષેપ કર્યો હતો કે, તેમની સાસુ અને પત્નીએ તેમની માતાની હત્યા કરી છે. આ બંનેના ગંભીર આક્ષેપ વચ્ચે અમરેલી SP હિમકરસિંહે સૂચના આપતા સાવરકુંડલાના ડીવાયએસપી તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. સતત 12 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ અંતે પોલીસને હત્યાનો ભેદ ઉકેલાયો છે.

આ પણ વાંચોઃ પીટી જાડેજાની વાયરલ ઓડિયો અંગે સ્પષ્ટતા, કહ્યુ – સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ

મળતી માહિતી પ્રમાણે, મૃતક બીનાબેન પાઠકનો પુત્ર વૈભવના આઠ માસ અગાઉ શ્વેતા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. વૈભવ બેંકમાં નોકરી કરે છે, તેમના ઘરે તેમનાં સાસુ મહેમાન બનીને આવ્યાં હતાં. તે દરમિયાન વૈભવ સાંજે જ્યારે નોકરી પરથી ઘરે પહોંચ્યો તો ત્યારે ઘરમાં તેની માતાની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હતી. ત્યારે અચાનક જ તેની પત્ની શ્વેતા અને તેની સાસુ સોનલે વૈભવ પર મરચાંની ભૂકી છાંટી હતી. જેથી યુવક દોડીને ઘર બહાર નીકળી ગયો હતો અને આસપાસના લોકોને બોલાવીને પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને લાશ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત ખૂલી હતી. શ્વેતાને તેની સાસુ બીનાબેન સાથે અવારનવાર કંકાસ થતો રહેતો હતો. જેથી તેણે જ હત્યાનો પ્લાન ઘડ્યો અને પુત્રવધૂએ સાસુને પકડી રાખ્યા ને વેવાણે હત્યા કરી હતી.

બીજી તરફ સાંજે વૈભવ ઘરે આવે તે પહેલાં જ શ્વેતાએ તેની સાસુ બીનાબેનને મરચું છાંટી અને માથામાં બોથડ પદાર્થ મારી હુમલો કર્યો હતો. જેથી બીનાબેન ત્યાં જ ઢળી પડ્યાં હતાં. બાદમાં શ્વેતાએ કટરની પીન પ્લગમાં ભરાવી હતી અને સાસુને પકડી રાખ્યા હતા. ત્યારબાદ તુરંત જ સોનલબેને માથાના ભાગે, ડોકના ભાગે, આંખ, કપાળ તથા પેટ પર ઈલેક્ટ્રિક કટર ફેરવી નિર્મમ હત્યા કરી નાખી હતી. આ હત્યાની ઘટનાને અંજામ આપી બંન્ને ઠંડે કલેજે રૂમની બહાર આવી ગયાં હતાં. ત્યારબાદ રાત્રે વૈભવ નોકરી કરી ઘરે પરત આવતા સાસુ સોનલે તેના પર પણ મરચાંની ભૂકી છાંટીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વૈભવ છટકીને બહાર ભાગી જવામાં સફળ થયો હતો. માતા-પુત્રી બંને વૈભવને પણ મારી નાખવા માંગતાં હતાં. પોલીસે વૈભવની ફરિયાદ પરથી શ્વેતા અને તેની માતા સોનલ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ત્યારે સમગ્ર ઘટના અંગે સાવરકુંડલાના DySP પીઆર રાઠોડ જણાવે છે કે, ‘આ ઘટનામાં પથ્થર કાપવાના કટરનો ઉપયોગ કરીને હત્યા કરવામાં આવી છે. તપાસ દરમિયાન મૃતકના પુત્રની પત્ની અને સાસુ દ્વારા જ હત્યા કર્યાનું ખૂલ્યું છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફોરેન્સિક તપાસ કરવામાં આવશે. મૃતક અને પુત્રવધૂ વચ્ચે સતત ઘરકંકાસ ચાલતા રહેતા હતા અને તેમને પિયરમાં જવા મળતું ન હતું. તેથી તેમની માતાને અમદાવાદથી બોલાવીને હત્યા માટેનું કાવતરું ઘડીને સાસુની હત્યા કરી નાંખી હતી. તપાસ દરમિયાન હજુ પણ જે પુરાવા મળશે તે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી વધારાની કલમોનો ઉમેરો પણ કરવામાં આવશે.’