December 24, 2024

સુરતમાં 3 બૉમ્બ બ્લાસ્ટ થશે, પોલીસને ખોટો મેસેજ આપનાર ઝડપાયો

અમિત રુપાપરા, સુરત: ઉધનામાં ત્રણ સ્થળો પર બૉમ્બ પ્લાન્ટ કર્યાના કોલથી પોલીસ દોડતી થઇ હતી. ગત રોજ સાંજે મળેલા કોલ બાદ ઉધના પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. ઉધના પીઆઇ,એસીપી,ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. એસ.ઓ.જી અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઇ હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત્રે ઉધનાના ત્રણ સ્થળો પર તપાસ હાથ ધરાઈ હતી. જે નંબરથી કોલ આવ્યો હતો, તે કોલને પોલીસ દ્વારા ટ્રેસ કરી ટીખળખોરને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો. ટીખળખોર દ્વારા કંટ્રોલમાં કોલ કરી ત્રણ સ્થળો પર બૉમ્બ પ્લાન્ટ કરાયાની વાત કરી હતી. પોલીસે પકડેલા ઈસમનું નામ અશોકસિંહ હોવાનું સામે આવ્યું છે અને તે UPનો રહેવાસો છે. પોલીસને પરેશાન કરવા આરોપીએ ફેક કોલ કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:  ધર્મના નામે આરક્ષણ નહીં, રામ મંદિર પર SCનો નિર્ણય નહીં પલટાય: PM મોદી

11 મેના રોજ સાંજે 7:30 કલાક આસપાસ સુરત પોલીસ કંટ્રોલરૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને ફોન કરનાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તે સુરત શહેરમાં ત્રણ બ્લાસ્ટ કરવાનો છે. આ મેસેજ મળતાની સાથે જ સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો ઉધના પોલીસની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

પોલીસ દ્વારા ફોન કરનાર વ્યક્તિના લોકેશનના આધારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી અને ઉધના પોલીસની ટીમ દ્વારા ફોન કરનાર વ્યક્તિનું લોકેશન ઉધના વિસ્તારમાં મળી આવતા આખી રાત આ લોકેશન જે વિસ્તારમાંથી આવ્યું હતું તે જગ્યા પર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી હતી. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો એક ફેક કોલ આપ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદના વાલીઓ માટે ખુશખબર: QR કોડ સ્કેન કરીને નજીકની શાળા વિશે મેળવો માહિતી

પોલીસના હાથે જે ઈસમ પકડાયો છે તેનું નામ અશોકસિંહ હોવાનું સામે આવ્યું છે અને તે ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે 11 અને 55 મિનિટે રાતના સમયે સુરત શહેરમાં ત્રણ બ્લાસ્ટ કરશે. બાકી અન્ય કોઈ વિગત ફોનમાં પોલીસને આપી ન હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી છૂટક મજૂરી કામ કરે છે અને તેને જે જે જગ્યા પર કામ કર્યું છે ત્યાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આરોપી સાથે અન્ય કોઈ ઈસમ જોડાયેલા છે કે નહીં તે બાબતે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના હાથે પકડાયેલો અશોકસિંહ છે તેને અગાઉ કોઈ ગુનો કર્યો છે કે નહીં તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.