December 23, 2024

પીટી જાડેજાની વાયરલ ઓડિયો અંગે સ્પષ્ટતા, કહ્યુ – સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ

રાજકોટઃ વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે પીટી જાડેજાએ ખુલાસો કર્યો છે. તેમણે વીડિયો બનાવીને આ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે કે, સંકલન સમિતિમાંથી મેં કોઈ રાજીનામું આપ્યું નથી.

ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ વીડિયો જાહેર કરીને વાયરલ થયેલી ઓડિયો ક્લિપ મામલે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ છે કે, ‘મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી. સંકલન સમિતિ વિરુદ્ધ મારી નારાજગી હતી અને એ નારાજગી મેં વ્યક્ત કરી છે. માત્ર સંકલન સમિતિની 14 કમિટીના ગ્રુપમાં આ ઓડિયો મોકલ્યો હતો. તેમાંથી કોઈ ગદ્દાર નીકળ્યું છે. હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને જાણીશ કે ગદ્દાર કોણ છે.’

શું હતી ઓડિયો ક્લિપ?
ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. પીટી જાડેજાએ સંકલન સમિતિને ધમકી આપી હતી તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યું છે કે, સંકલન સમિતિ તમે થાય તે કરી લેજો. હું ખુલ્લેઆમ મેદાનમાં આવીશ અને તમારો પર્દાફાશ કરીશ. તૃપ્તિબા રાઓલથી માંડી 5 વ્યક્તિએ શું કર્યું તેનો પર્દાફાશ કરીશ. આવી કોર કમિટી ના હોય, આવી સંકલન સમિતિ ના હોય. સંકલન સમિતિ અને કોર કમિટીએ સેકેલ પાપડ ભાંગ્યો નથી, એ સમાજને અને સરકારને ખ્યાલ નથી.’

નોંધઃ ન્યૂઝ કેપિટલ વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી